
બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઓઢવ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ દુ:ખદ ઘટના રવિવારે રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે બની હતી. મૃતકની ઓળખ ગોવિંદ પરમાર (ઉંમર ૪૫) તરીકે થઈ છે, જેઓ શૈલેષ પરમાર સાથે ટુ-વ્હીલર પર સવાર હતા. જ્યારે તેઓ ઓઢવ રિંગ રોડ ઇન્ટરસેક્શન બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી તેમના ટુ-વ્હીલરને જાેરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સવાર ટુ-વ્હીલર પરથી ફંગોળાઈ ગયા હતા. ગોવિંદ પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે શૈલેષ પરમારને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ મામલે મૃતકના સંબંધી અને ઓઢવના રહેવાસી મહેશભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ હિટ એન્ડ રન કેસમાં વાહનની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારના તેમજ નજીકના ટોલ પોઈન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને આ જીવલેણ અકસ્માત માટે જવાબદાર વાહન અને ચાલકને શોધવા માટે સઘન તપાસ હાથ ધરી છે.‘




