
ગુજરાતમાં હોસ્પિટલોની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ સુરતના ધારાસભ્યએ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરીને લોકોને છેતરવાના કામો કરતી ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી, અને વાતો ‘હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. AAP યુવા નેતા પાયલ સાકરિયાએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સુરતના મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી. દર્દીઓના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે, હાલ સુરતની સ્થિતિ એટલી કથળી ગઈ છે. આ બાબતે ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ આ અવાજને ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. કોઈ રીતે લોકો અવાજ ન ઉઠાવે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે. જો ખરેખર લોકોના વિકાસ માટે, આરોગ્ય માટે અને શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હોત, તો આજે 30 વર્ષ પછી પણ ગુજરાતની આવી સ્થિતિ ન હોત.

AAP નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે જે સુરતમાં આરોગ્ય મંત્રી પોતે રહે છે, એ જ શહેરમાં સિવિલ હોસ્પિટલની આવી કથળી ગયેલી પરિસ્થિતિ હોય, તો આખા ગુજરાતની કેવી સ્થિતિ હશે? એવું નથી કે આરોગ્ય મંત્રીને આ બાબતે ખબર નથી. તેમને પણ ખબર છે કે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તેમણે પોતે પણ સારવાર લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે અને ત્યાંથી સારવાર લઈને પાછા આવે છે. એક તરફ સરકાર લોકો સમક્ષ આરોગ્ય સુવિધાઓની મોટી મોટી વાતો કરે છે અને વાહવાહી લૂટે છે, તેમને આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવા જોઈએ. આજે 30 વર્ષ પછી પણ જો આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથી, અને આરોગ્ય મંત્રીને પોતે સારવાર માટે બહાર જવું પડે છે, તથા તેમની જ પાર્ટીના ધારાસભ્ય કહે છે કે સિવિલ હોસ્પિટલની સ્થિતિ કથળી ગઈ છે, તો આથી વધુ શું કહી શકાય?





