
ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી થઈ.મહેસાણા તાલુકાના પીલુદ્રા ગામે મંદિરમાંથી ૬.૫૦ લાખની મત્તા ચોરાઈ.અગાઉ ધરણીધર તાલુકાના ચુવા ગામે આવેલા સગત માતાજી મંદિરમાં પણ ચોરી થઈ હતી.મહેસાણા તાલુકાના પીલદ્રા ગામે આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરમાંથી તસ્કરો રૂ. ૬.૫૦ લાખની કિંમતના ચાંદીના છત્ર, ચાંદીના ઘોડિયા અને ચાંદીના નાગની ચોરી કરી ગયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પીલુદ્રા ગામે દેવીપૂજક વાસમાં આવેલા જાેગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરે શુક્રવારે સવારે પાંચેક વાગ્યાના સુમારે મુકેશભાઈ માધાભાઈ પૂજા આરતી કરવા ગયા ત્યારે મંદિરનો દરવાજાે ખુલ્લો હતો અને નકૂચો તૂટેલો હતો.
આથી મહોલ્લાના માણસોને બોલાવી મંદિરમાં તપાસ કરતાં ચાંદીના નાના-મોટા ૩ છત્ર આશરે એક કિલો, ચાંદીના ઘોડિયા નાના-મોટા બે નંગ આશરે પ૦૦ ગ્રામ, ચાંદીના નાગ મોટા ૩ આશરે વજન ૩ કિલો તથા ચાંદીના નાગ નાના ૧૨ નંગ જેનું વજન આશરે ૨ કિલો મળી કુલ રૂ. ૬.૫૦ લાખના આભૂષણો તસ્કરો ચોરી ગયા હોવાનું જણાયું હતું. આ અંગે મુકેશભાઈ માધાભાઈ દેવીપૂજકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.ધરણીધર તાલુકાના ચુવા ગામે આવેલા સગત માતાજી મંદિરમાં ગુરુવારની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. જેમાં ચોર ટોળકી માતાજીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મંદિરના પૂજારી તારાશંકર મહારાજ સવારે પૂજા કરવા ગયા ત્યારે મંદિરના તાળાં તૂટેલા હતા તેમજ અંદરની ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં જાેવા મળી હતી. જેથી પૂજારીએ ગામના આગેવાનોને બોલાવી તપાસ કરતા મંદિરમાંથી માતાજીની ચાંદીની સાત મૂર્તિઓ, એક નથણી અને એક છત્ર સહિતના આભૂષણો ચોરાયા હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે ગ્રામજનોએ વાવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. માહિતી મળતાં જ વાવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.




