
કૌભાંડી રોડ કોન્ટ્રાક્ટરોના દિવસો ભરાયા.કામ ખરાબ તો કાર્યવાહી થશે જ : નીતિન ગડકરી.નવા ધોરણો સ્થાપિત કરવા અને રસ્તાની ગુણવત્તાની સમીક્ષા કરવા પર રાષ્ટ્રવ્યાપી ભાર મૂકવામાં આવી રહ્યો છે.દેશમાં વધતા રોડ અને એક્સપ્રેસ વેના નેટવર્ક સાથે ક્વોલિટી પર પણ સરકાર ફોકસ વધારી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાના હાથમાં કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાે રસ્તા બનાવવામાં ગુણવત્તા સાથે છેડછાડ થશે, તો તેની માટે દોષી વ્યક્તિ કાર્યવાહી માટે તૈયાર રહે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો બનાવવાનો કોન્ટ્રેક્ટ લેતી વખતે જવાબદાર લોકોએ તેનું ધ્યાન રાખવાનું રહેશે કે ગુણવત્તા સાથે કોઈ છેડછાડ ન થાય.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારીઓ સાથે આ બાબતે સમીક્ષા બેઠક કરી હતી. બેઠકની અધ્યક્ષતા દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી કે રસ્તાના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવામાં આવે, નહીંંતર કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહો. સમીક્ષા બેઠક દરમિયાન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કોન્ટ્રાક્ટરોને હાઇવેના નિર્માણ સાથે સાથે પુનર્નિર્માણમાં લોકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પણ કહ્યું.
ગુજરાતને મળશે ૨૦ હજાર કરોડ :- ગડકરીએ આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્ર ગુજરાતમાં નેશનલ હાઈવેના નિર્માણ, પુન:નિર્માણ અને સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરશે. ગડકરીએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઇવે ૪૮ના નિર્માણાધીન વિભાગનું નિરીક્ષણ કર્યું અને મોતીપુર ફ્લાયઓવર અને નેશનલ હાઇવે પર એક અંડરપાસના કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન રોડની ગુણવત્તાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
સરકારે આપ્યો મંત્રીનો સાથ :- સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગડકરીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કહ્યું કે રોડ નિર્માણમાં ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે, નહીંંતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો. કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બધા જ રોડનું બાંધકામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાના કડક નિર્દેશ આપ્યા હતા. તમામ સિનિયર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સરળ ટ્રાફિક સુવિધાને પ્રાથમિકતા આપવા અને તેને ગંભીરતાથી લેવાના આદેશ આપ્યા હતા.
કેમ જરૂરી છે હાઈવેની સારી સ્થિતિ? :- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના નેશનલ હાઇવે પર કુલ ટ્રાફિક ભારના ૩૫ ટકાથી વધુ ભાગ આવે છે, જેથી તેનું યોગ્ય સમારકામ થવું જાેઈએ, તેમજ જરૂર પડ્યે NHAI વિસ્તારીકરણ કાર્ય પણ કરે. તેમણે કહ્યું કે, રાજ્યોમાં હાઇવેના નિર્માણ અને ક્વોલિટીને લઈને હંમેશા સજાગ રહેવું જાેઈએ, કારણ કે કોઈપણ રાજ્યના કુલ ટ્રાફિકમાં તેની ભૂમિકા સૌથી વધુ રહે છે.




