
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના વેડ દરવાજા નાસિરનગરના ૫૦ વર્ષો જૂના રહીશોને SMCએ કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક સૂચના આપ્યા વગર ડિમોલિશન કરી ધોમધખતા તાપમાં રસ્તે રઝળતા કરી માનવતાને લજવી છે. ત્યારે સરકારી ખાતા સુડા દ્વારા મધ્યમ અને સામાન્ય વર્ગના માણસો માટે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુડા સંસ્કૃતિ વણકલા આવાસ યોજના બની છે. આ યોજના હેઠળ વર્ષ 2024 માં જ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના ઘરના સપના સાથે અહીં રહેવા આવ્યા હતા. ત્યાં માત્ર બે વર્ષમાં જ આ સુડાના મકાનોની જર્જરિત હાલત થઈ જતા ૧૦ હજારથી વધુ લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.
આ બાબતે આવાસના રહીશોના જણાવ્યા મુજબ મકાનોમાં દિવાલોના પોપડા ખરવા, છતમાંથી પાણી ટપકવું, પ્લાસ્ટર નીકળી જવું અને લોખંડના સળિયા બહાર દેખાવા જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. હવે જ્યારે આવનારા ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ બનશે એ પણ એટલું જ સાચું છે. બાથરૂમ, રસોડા અને રૂમની દીવાલોમાંથી સતત લીકેજ થઈ રહ્યું છે. આ અંગે મળેલી માહિતી અનુસાર આ ગંભીર ઘટના બાબતે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત રહીશો જ્યારે ફરિયાદ લઈને જાય છે ત્યારે અધિકારીઓ ઉલ્ટો ચોર કોટવાલને દંડે એમ ફરિયાદ લઈને આવનારા રહીશોને જ જેલમાં નાંખવાની ધમકી આપી ભગાડી દે છે. આમ કરોડોના ખર્ચે બનેલા આવાસની હલકી ગુણવત્તાએ રહીશોના માથે જાનનું જોખમ ઊભું
કર્યું છે.
ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે કોઈપણ નવી બનતી મિલકતની ઓછામાં ઓછી ૨૫ વર્ષની ગેરંટી બિલ્ડરે આપવી પડતી હોય છે એ સમય દરમિયાન મિલકતની ગુણવત્તા અંગે સવાલો ઊભા થાય તો એ જવાબદારી બિલ્ડરની રહે છે તો અહીં સુડા આવાસ બનાવનાર કોન્ટ્રાકટરની કેમ નહીં?





