ગુજરાતના આણંદ જિલ્લામાં મંગળવારે સાંજે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ સ્થળ પર બનેલું કામચલાઉ માળખું તૂટી પડતાં ત્રણ મજૂરોનાં મોત થયાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે આ ઘટના વાસદ ગામમાં બની હતી. પોલીસ અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો.
જો કે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), જે પ્રોજેક્ટનો અમલ કરી રહી છે, તેના એક અધિકારીએ જણાવ્યું કે, ફાઉન્ડેશન વર્ક માટે ઉપયોગમાં લેવાતા સ્ટીલ અને કોંક્રીટના બ્લોક્સથી બનેલા અસ્થાયી માળખું તૂટી પડવાના અહેવાલ છે.
તેમણે જણાવ્યું કે આ અકસ્માત સ્થળ વડોદરા નજીક મહી નદી પાસે છે. વાસદ પોલીસ સ્ટેશનના અધિકારીએ પુષ્ટિ કરી કે ત્રણ કામદારોના મોત થયા છે અને અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આણંદના ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે કુલ ચાર કામદારો કોંક્રીટ બ્લોક હેઠળ ફસાયા હતા અને તેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જીવતા બચાવી લેવામાં આવેલા એક કામદારને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય કોઈ કામદારો નીચે દટાઈ ન જાય તેની ખાતરી કરવા માટે પડેલા બ્લોકને દૂર કરવામાં આવી રહ્યો છે.
રેસ્ક્યુ ટીમોએ કોંક્રિટ બ્લોક્સને દૂર કરવા માટે ક્રેન્સ અને ખોદકામ મશીનોનો ઉપયોગ કર્યો હતો, જેમાં કેટલાક સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા હતા. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિમી લાંબી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, આ બે સ્થળો વચ્ચેનો મુસાફરીનો સમય વર્તમાન 6 થી 8 કલાકથી ઘટીને લગભગ 3 કલાક થવાની ધારણા છે.