
વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના સત્રમાં 18મી માર્ચ 2026ના દિવસે તારાંકિત પ્રશ્ન ક્રમાંક 165 દ્વારા મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો. જોકે સમયના અભાવે મારો પ્રશ્ન ચર્ચામાં આવ્યો નથી, એટલે ગૃહની અંદર ઊભા રહીને આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા થઈ શકી નથી. પરંતુ સરકાર તરફથી મળેલા જવાબ ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માંગું છું. તેમણે જણાવ્યું કે તેમના પ્રશ્નનો વિષય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ)માં ખેડૂતો સાથે થતા ભાવફેર (કટોકટીમાં “કડદો”) અંગે હતો. તેમણે પૂછ્યું હતું કે શું સરકાર આ બાબતે વાકેફ છે કે નહીં. તેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું કે તેમને આવી કોઈ માહિતી કે ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. ગોપાલ ઇટાલિયાએ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થયેલા “કડદા” મુદ્દે આંદોલન, એફઆઈઆર, લાઠીચાર્જ, વાયરલ થયેલા વિડિયો અને જાહેર સભાઓ થઈ ચૂકી છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે ભાવફેર (કડદો) ભરવો નહીં. છતાં સરકારે અજાણ હોવાનો જવાબ આપ્યો છે, જે ગંભીર બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્થિતિએ બે સંભાવનાઓ દર્શાવે છે, એક તો સરકારને હકીકતોની કોઈ જાણ નથી, અથવા જાણ હોવા છતાં કાર્યવાહી કરવાની ઇચ્છા નથી. તેમણે આ મુદ્દે વધુ એક પ્રશ્ન પૂછ્યો હતો કે આવા ગેરકાયદેસર કામ કરનારાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે, જેના જવાબમાં સરકારે જણાવ્યું કે “પ્રશ્ન ઉપસ્થિત થતો નથી”.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આથી એવું સ્પષ્ટ થાય છે કે સરકાર કંઈ કાર્યવાહી કરવા માગતી નથી. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં થયેલા “કડદા” બાબતે સરકારને કોઈ જાણ નથી, કોઈ માહિતી નથી અને કોઈ ફરિયાદ પણ નથી. જે ખેડૂતો આ “કડદા” સામે લડત લડી રહ્યા હતા, તેમને આમ આદમી પાર્ટી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ મુદ્દો હવે ગુજરાતના ખેડૂતો સામે મૂકવામાં આવશે કે આ સરકાર ભગવાન ભરોસે ચાલી રહી છે, જેને કોઈ માહિતી પણ નથી. એટલે હવે આવી સરકારથી દૂર રહેવાની જરૂર છે.




