૨૦૦ સાગરીતોને દેશ છોડવાનો આદેશ કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી ૨૫ વર્ષીય ભારતીય વિદ્યાર્થી જશનદીપ સિંહ પણ ડિપોર્ટ થયો, જેના તાર બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા હોવાનો આરોપ છે
કેનેડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના ૨૦૦ સભ્યોને દેશ છોડવાનો હુકમ કર્યો છે, જેમાંથી લગભગ ૧૧૧ લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગૃપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદીમાં સામેલ છે. આ આકરી કાર્યવાહી વચ્ચે ૨૫ વર્ષીય જશનદીપ સિંહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે, અને ડિસેમ્બર ૨૦૨૨માં પોતાને વિદ્યાર્થી ગણાવીને કેનેડા પહોંચ્યો હતો.
કેનેડાના ઈમિગ્રેશન એન્ડ રિફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવ્યો અને બહાર કાઢવાનો આદેશ આપ્યો. પોલીસનો આરોપ છે કે, તેના તાર લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ક્રાઈમ નેટવર્ક સાથે જાેડાયેલા હતા.
જશનદીપ સિંહ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક વીડિયો બન્યો છે. આ વીડિયો ઓગસ્ટ ૨૦૨૫માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલો અર્શદીપ સિંહ પણ હાજર હતો. અર્શદીપ સિંહને બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર ગણાવવામાં આવ્યો છે, અને તેને ૨૦૨૬માં કેનેડાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.
વીડિયોમાં પાર્ટી દરમિયાન પિસ્તોલ લોકો વચ્ચે ફરતી જાેવા મળે છે. ત્યારબાદ આખું ગૃપ એક ગ્રામિણ વિસ્તારમાં જાય છે. રિપોર્ટ મુજબ, વીડિયોમાં અર્શદીપ સિંહ કથિત રીતે પિસ્તોલથી હવામાં ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવતો દેખાય છે. કારની બોનેટ પર બર્થડે કેક મૂકેલી પણ નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, અને ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખાલી ખોખા મળી આવ્યા હતા.
તપાસ આગળ વધતાં આ હથિયારને બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એક કેફે પર થયેલા ફાયરિંગ સાથે જાેડીને જાેવામાં આવ્યું. આ ફાયરિંગ કેનેડાના લોઅર મેનલેન્ડ વિસ્તારમાં ચાલી રહેલી ખંડણી (એક્સ્ટોર્શન) રેકેટની તપાસનો એક ભાગ હતું. આ કેસમાં જશનદીપ સિંહ પણ પોલીસના રડાર પર આવી ગયો. ઈમિગ્રેશન સુનાવણી દરમિયાન તેણે બિશ્નોઈ ગેંગ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઈનકાર કર્યો હતો, અને હથિયારવાળા વીડિયોને લઈને અલગ-અલગ દલીલો આપી હતી.
રિપોર્ટ મુજબ, ઈમિગ્રેશન બોર્ડે તેના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જાેયો અને તેના દાવાને વિશ્વાસપાત્ર ન માન્યો. આ કાર્યવાહી બાદ કેનેડામાં બિશ્નોઈ ગેંગના નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓની ચિંતા પણ ઉજાગર થઈ છે.
બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા લોકો પર આતંક, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપો છે. આ દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૬માં ગેંગ તરફથી કથિત રીતે સામે આવેલો એક પત્ર પણ ચર્ચામાં રહ્યો હતો. આ પત્રમાં ગેંગે કેનેડામાં પોતાના ૫,૦૦૦ શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો, અને ધમકી આપી હતી કે, તે ટૂંક સમયમાં જ દેશ પર કબજાે કરી લેશે.




