
ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું, બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ – આ સાથે જ વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં બેઠકોની વહેંચણીને લઈને તણાવ વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો બેઠકોની વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ જશે, તો ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ફરી એકવાર NDA સામે બળવો કરી શકે છે. આ સાથે જ વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર અને ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી શકે છે તેવી અટકળોએ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.
બિહાર ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન બેઠક વહેંચણી અંગે NDAના સાથી પક્ષો સાથે સતત વાટાઘાટો કરી રહ્યા છે. જો કે, ચિરાગ પાસવાનની પાર્ટીએ NDAની મુશ્કેલીઓ વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચિરાગ પાસવાનની પાર્ટી ૨૫થી ૩૦ બેઠકો પર અડગ છે. ચિરાગના આ નવા પગલાથી બિહારમાં NDA પર દબાણ વધ્યું છે. નોંધનીય છે કે, ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પણ ચિરાગ પાસવાને સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને NDAથી અલગ થયા હતા. ત્યારે તેમની પાર્ટીનું પ્રદર્શન ભલે સારું ન રહ્યું હોય, પરંતુ તેનાથી NDAના સાથી પક્ષ જેડીયુને નોંધપાત્ર નુકસાન થયું હતું.
ચિરાગની પાર્ટીના આ આક્રમક વલણ વચ્ચે પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ચિરાગ પાસવાનની ઘણી વખત પ્રશંસા કરી હતી, જેના કારણે આ બંને યુવા નેતાઓ વચ્ચે ગઠબંધન થવાની અટકળોએ જોર પકડ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી ૬ઠ્ઠી નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી ૧૧મી નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, ‘પહેલા તબક્કાની ચૂંટણી માટે ગેઝેટ નોટિફિકેશન ૧૦મી ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો ૧૭મી ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટિની ૨૨મી ઑક્ટોબરના બુધવારે થશે. ૨૪મી ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૬ઠ્ઠી નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી ૧૧મી નવેમ્બરે યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ ૧૪મી નવેમ્બરે મતગણત્રી હાથ ધરાશે.’




