
શું ગેમ ચેન્જર સાબિત થશે આ દાવ?.બિહાર ચૂંટણી પહેલા ૨૨% મહિલા મતદારો સુધી પહોંચશે ૧૦-૧૦ હજાર રૂપિયા.મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપને મળેલી સફળતાના આધારે તેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.બિહારની ચૂંટણીમાં મહિલા મતદારોની મોટી ભૂમિકા હોય છે. આ જ કારણ છે કે નીતિશ કુમારનો શરૂઆતથી જ મહિલાઓ સંબંધિત યોજનાઓ પર વિશેષ ભાર રહ્યો છે. અને, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના આ કડીમાં બિહારની મહિલાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર તરફથી નવી ચૂંટણી ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરતી વખતે કહ્યું, “જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે હું વિચારતો હતો કે નીતિશજીની સરકારે બિહારની બહેનો-દીકરીઓ માટે કેટલું મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જ્યારે કોઈ બહેન કે દીકરી રોજગાર કે સ્વરોજગાર કરે છે, તો તેના સપનાઓને નવી પાંખો મળે છે, અને સમાજમાં તેનું સન્માન પણ વધે છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ મહિનાની શરૂઆતમાં જ મને જીવિકા નિધિ સાખ સહકારી સંઘ શરૂ કરવાની તક મળી હતી. હવે આ વ્યવસ્થાની તાકાત મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના સાથે જાેડાઈ જશે.”
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નવી યોજના સાથે અત્યાર સુધીમાં ૭૫ લાખ બહેનો જાેડાઈ ચૂકી છે, અને એક સાથે તમામ બહેનોના બેંક ખાતામાં ૧૦,૦૦૦ મોકલવામાં આવ્યા છે. બિહારમાં લગભગ ૩.૩૯ કરોડ મહિલા મતદારોમાં આ ૭૫ લાખ લાભાર્થી મહિલાઓ ૨૨% છે.
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મહિલાઓ માટેની કેશ ટ્રાન્સફર યોજનાઓ ભાજપ માટે ખૂબ જ ફાયદાકારક રહી છે. બિહારમાં તો નીતિશ કુમાર પહેલાથી જ મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહ્યા છે, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના તેનાથી થોડી અલગ છે. જાેકે, બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવનું કહેવું છે કે, “આ જે યોજના છે તેમાં મોદીજીએ તો એક પણ રૂપિયો આપ્યો નથી. તમામ પૈસા રાજ્ય સરકારના છે. અને, તેમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની પછીથી સમીક્ષા થશે. બિહારની જનતાને મૂર્ખ ન સમજાે.”




