
૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત.હરિયાણાના છયાંસા ગામમાં ફેલાઈ રહી છે એક રહસ્યમય બિમારી.અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ.હરિયાણાના પલવલ જિલ્લાના છયાંસા ગામના લોકો માટે એક રહસ્યમય બીમારી ચિંતાનું કારણ બની ગઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ લોકોના મોત થયા છે. તેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અચાનક થયેલા મૃત્યુથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમના જીવ બચાવી શકાયા નહીં. આશ્ચર્યજનક રીતે, થોડા દિવસોમાં ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડી ગયા.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગની ટીમો ગામમાં કેમ્પ લગાવીને તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે, અને આશરે ૩૦૦ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.
પ્રારંભિક ટેસ્ટિંગમાં બે લોકોમાં હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સીની પુષ્ટિ થઈ છે, પરંતુ ડોકટરો કહે છે કે આ બધા મોતના કારણ સમજાતા નથી. આરોગ્ય અધિકારીઓએ ગામના પીવાના પાણીના નમૂના પણ પરીક્ષણ માટે મોકલ્યા છે. પરીક્ષણોમાં ઘણા ઘરોમાં પાણીમાં બેક્ટેરિયા અને ક્લોરિનનું પ્રમાણ ઓછું હોવાનું બહાર આવ્યું છે. આ ચિંતા ઉભી કરે છે કે દૂષિત પાણી રોગનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ચાયંસા ગામના લોકો વિવિધ સ્ત્રોતોમાંથી પાણીનો ઉપયોગ કરે છે. કેટલાક પાસે સરકારી પુરવઠો છે, અન્ય પાસે ટેન્કર અને ઇર્ં પાણી છે. ઘણા ઘરોમાં, પાણી લાંબા સમય સુધી ટાંકીઓમાં સંગ્રહિત થાય છે, જેનાથી ચેપનું જાેખમ વધે છે.
આરોગ્ય વિભાગે ઘણી તબીબી ટીમો તૈનાત કરી છે. ગંભીર સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, અને અન્ય લોકોને સ્વચ્છ પાણી પીવા, ઉકાળેલું પાણી વાપરવા અને સારી સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર કહે છે કે મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. ગામની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ બેદરકારી ન થાય અને જીવ બચાવી શકાય.




