
હરિયાણા સરકાર હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો.લોકશાહી વ્યવસ્થા માટે સગાવાદ અને આત્મશ્લાઘા અભિશાપ: સુપ્રીમ કોર્ટ.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી.દેશમાં વધી રહેલા લાગવગ અને સગાવાદના પ્રભાવની સુપ્રીમ કોર્ટે ટીકા કરી છે. નીપોટિઝમ અને આત્મશ્લાઘાને લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ સમાન ગણાવી સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના હાઉસિંગ સોસાયટીના ર્નિણય પર સ્ટે આપ્યો છે, જેમાં સોસાયટીની ગવર્નિંગ બોડીના એક સભ્ય અને તેમના કર્મચારીને બે ફ્લેટ ફાળવી દેવાયા હતા. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સોસાયટી દ્વારા થયેલી ફાળવણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા મનાઈ ફરમાવી હતી. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે હાઈકોર્ટના આ હુકમને રદ ઠેરવતા નોંધ્યુ હતું કે, ગવર્નિંગ બોડીના સભ્ય અને તેમના તાબાના કર્મચારીને થયેલી ફાળવણી પક્ષપાતી હોવાની સાથે સોસાયટીના નિયમો મુજબ લાયકાતના ધોરણોનો ભંગ કરતી હતી.
નીપોટિઝમ અને સ્વકેન્દ્રી ઉન્નતિનો અભિગમ લોકશાહી વ્યવસ્થા માટે અભિશાપ છે. હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA)ના સભ્ય અને અર્બન એસ્ટેટ એન્ડ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એમ્પ્લોયી વેલફેર ઓર્ગેનાઈઝેશન (HEWO)ના સભ્ય દિનેશ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. HEWO પર પક્ષપાતના આરોપ ઉપરાંત લાયકાત ન હોવા છતાં બે વ્યક્તિને ખોટી રીતે સુપર ડીલક્સ ફ્લેટ ફાળવી દેવાયા હવાનો દાવો કરાયો હતો.સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, ફ્લેટની ફાળવણી માટે થયેલી જાહેરખબર અન્વ્યે અરજદારે અરજી કરી હતી અને નોકરીનો સમયગાળો તથા બેઝિક પે સહિતની તમામ દૃષ્ટિએ તેઓ લાયક હતા. ગવર્નિંગ બોડીના સભ્ય HUDA માં છ મહિનાની સેવાના લઘુતમ સમયગાળાના માપદંડમાં યોગ્ય ન હોવા છતાં તેમને પ્રાથમિકતા આપીને ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. HUDA નો આ ર્નિણય સ્પષ્ટપણે પક્ષપાત અને સ્વ કેન્દ્રી ઉન્નતિનો અભિગમ દર્શાવે છે. સક્ષમ સત્તામંડળ દ્વારા અધિકારના દુરુપયોગ થયો હોવાનું ઠરાવી સુપ્રીમ કોર્ટે HUDA ને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો તથા બે પ્રતિવાદીને પણ દંડ કર્યો હતો.




