
૩૦ ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ.કોંગ્રેસમાં ફરી મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ જારી!.એન.રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વ મામલે ચર્ચા કરવામાં આવી હતી.કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરી શરૂ થઈ છે. રિપોર્ટ મુજબ બેલગાવીમાં વરિષ્ઠ લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલી દ્વારા બુધવારે (૧૮ ડિસેમ્બર) રાત્રે રાત્રિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું સમર્થન કરનારા ધારાસભ્યો સામેલ થયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના પુત્ર અને વિધાન પરિષદ સભ્ય યતીન્દ્ર સિદ્ધારમૈયા તથા ધારાસભ્ય એન.રાજન્ના સહિત ૩૦થી વધુ ધારાસભ્યો સામેલ થયા હતા. જ્યારે સીએમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા.
રિપોર્ટ મુજબ, બેલગાવીમાં યોજાઈ રહેલા વિધાનસભા શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે મંત્રી સતીષે સામાન્ય સામાજિક આયોજનના ભાગરુપે ભોજન સમારંભનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે. જાેકે બીજીતરફ તેમાં સામેલ થનાર ઘણા ધારાસભ્યોએ બેઠકમાં રાજકીય મુદ્દે ચર્ચા થઈ હોવાના સંકેત આપ્યા છે. મુખ્યમંત્રીના નજીકના ગણાતા એન.રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વ મામલે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે ૨ ડિસેમ્બરે સવારે શિવકુમારના નિવાસસ્થાને એક બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને પોતાની સંપૂર્ણ એકતાનો સંદેશ આપ્યો છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ મુલાકાત બાદ બંને દિગ્ગજ નેતાઓએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દાઓ પર એકજૂટ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ‘શિવકુમાર અને હું ભાઈ જેવા છીએ અને અમે પાર્ટી માટે મળીને કામ કરી રહ્યા છીએ. જ્યારે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને હાઇકમાન્ડ નક્કી કરશે, ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી બનશે. મંગળવારે હું શિવકુમારના ઘરે બ્રેકફાસ્ટ માટે ગયો હતો, તે પહેલા શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમે બેઠક યોજી છે.’
બીજીતરફ કોંગ્રેસના રામનગરના ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસૈને કહ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર ૬ જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડવું જાેઈએ. ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જાેઈએ. ૯૯ ટકા શક્યતા છે કે, ડી.કે. શિવકુમાર ૬ જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. આમ ૬ કે ૯ જાન્યુઆરી આ બે તારીખો છે.’




