સરકાર પાસે ઘોંઘાટ સામે લીધેલા પગલાંનો જવાબ માગ્યો ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી
ગણેશોત્સવ દરમિયાન મોટા આવાજે વાગતા ડીજે, લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમને કારણે થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણને લઈને બોમ્બે હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે આ મામલે સુઓમોટો લીધો હતો અને રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી છે.
હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટ કોઈપણ ધર્મ કે તહેવારની વિરુદ્ધ નથી, પરંતુ વધુ પડતો અવાજ અને કાયદા વિરોધી છે. કોર્ટે કહ્યું કે, લોકોને તહેવાર અને ધાર્મિક આયોજનો કરવાનો અધિકાર છે, પરંતુ તેને લીધે બીજા નાગરિકોને વધુ પડતો અવાજ સહન કરવા માટે મજબૂર ન કરી શકાય.
કોર્ટે રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓ પાસેથી ડેસિબલ સીમા, લાઉડ સ્પીકરના ઉપયોગની સમયસીમા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ડીજે તેમજ સાઉન્ડ સિસ્ટમ સામે કાર્યવાહીને લઈને જવાબ માગ્યો છે. કોર્ટ નિયમોનું પાલન માત્ર કાગળ પર જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવાલ પર પણ પ્રભાવી રીતે કરવાની વાત પર ભાર મૂક્યો છે.
સુનાવણી દરમિયાન, અડધી રાત સુધી લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમની પરવાનગીને લઈને પણ સવાલ કર્યા છે. કોર્ટે આ વાત અંગે સ્પષ્ટતા માગી છે કે, જ્યારે સામાન્ય નિયમ મુજબ રાતે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે, તો વિશેષ પરવાનગી કયા આધારે આપવામાં આવે છે. જાે કે, ખાસ પ્રસંગોને લઈને આપવામાં આવતી સમય સંબંધિત છૂટછાટ પણ નક્કી કરેલી ધ્વનિ સીમા અને અન્ય કાયદાકીય શરતોને આધીન હોય છે.
ગણેશોત્સવ દરમિયાન હાલ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણે જૂલુસ અને વિસર્જન કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, તેવા સમયે કોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. હવે રાજ્ય સરકાર અને તંત્રએ કોર્ટને જણાવવું પડશે કે, વધુ પડતા ઘોંઘાટ સામે તાત્કાલિક કાર્યવાહી અને નક્કી કરેલી ડેસિબલ સીમાનું પાલન કરવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.




