વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલજીત દોસાંઝનો અવાજ વિદ્યાર્થીઓના વિરોધ પર પોલીસ કાર્યવાહી બાદ મનોરંજન જગતમાં ઉઠ્યો વિરોધનો સૂર સોશિયલ મીડિયા પર સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળવાની અપીલ; અનેક અભિનેતાઓએ પણ વ્યક્ત કર્યો સમર્થન દિલ્હીમાં પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી થયા બાદ મનોરંજન જગતમાં પણ આ મુદ્દે પ્રતિક્રિયાઓનો સિલસિલો શરૂ થયો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી સરકારને તેમની માંગણીઓ ગંભીરતાથી સાંભળવાની અપીલ કરી છે.
દિલજીત દોસાંઝે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “વિદ્યાર્થીઓ સાથે જે કંઈ થયું તે યોગ્ય નથી. પોતાની માંગ રજૂ કરવા આવેલા યુવાનો પર આ પ્રકારની કાર્યવાહી થવી ન જાેઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે સત્યના પક્ષમાં બોલવા બદલ અગાઉ પણ તેમને ટીકા અને વિવિધ આરોપોનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે પણ તેઓને ફરી “દેશદ્રોહી” કહેવામાં આવી શકે છે. તેમ છતાં તેઓ વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવતા રહેશે તેવી વાત તેમણે વ્યક્ત કરી હતી.
પોસ્ટમાં દિલજીતે અગાઉના ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તે સમય દરમિયાન જાહેરમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા બાદ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેઓ માને છે કે અન્યાય સામે મૌન રહેવા કરતાં સત્યનો સાથ આપવો વધુ જરૂરી છે.
આ મુદ્દે માત્ર દિલજીત જ નહીં, પરંતુ અનેક જાણીતા કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનિલિયા દેશમુખે જણાવ્યું કે યુવાનોનો અવાજ શાંતિપૂર્ણ રીતે સાંભળવો અને તેમની ચિંતાઓનો ઉકેલ લાવવો લોકશાહી માટે જરૂરી છે. તેમણે સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવા પર ભાર મૂક્યો.
વરિષ્ઠ અભિનેત્રી શબાના આઝમી અને અભિનેત્રી-નિર્દેશિકા નંદિતા દાસે પણ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. માહિતી અનુસાર, શબાના આઝમી વિરોધ પ્રદર્શનના સ્થળે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત બગડતાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓએ તેમને મદદ કરી હતી.અભિનેત્રી ભૂમિ પેડનેકર, હુમા કુરેશી તેમજ લેખિકા સુતાપા સિકદરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. સુતાપા સિકદરે લખ્યું કે આ વિદ્યાર્થીઓ કોઈ વિશેષ સુવિધાવાળા પરિવારોમાંથી નથી, પરંતુ પોતાના ભવિષ્ય અને ન્યાયની આશા સાથે રસ્તા પર ઉતર્યા છે.
વિદ્યાર્થીઓના વિરોધ અને તેના પર થયેલી પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. હવે સરકાર આ મુદ્દે શું ર્નિણય લે છે અને વિદ્યાર્થીઓની માંગણીઓ અંગે શું પગલાં ભરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.





