(નીડર , નિષ્પક્ષ અને તરસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારત એક નિકાસકાર દેશ હતો. અત્યારે નથી. નિકાસની સ્થિતિ અત્યારે સુધરવાની નથી. કારણ કે ઉત્પાદનકર્તાઓ એટલો માલ બનાવતા જ નથી અગર તો બનાવી શકતા નથી. ડોમેસ્ટિક માર્કેટમાં ખરીદારો હોય નહીં અને આ કંપનીઓ કઈ રીતે માલનો જથ્થો બનાવે.
આમ પણ દેશમાં મંદી પુરબહારમાં ખીલી છે. દિવાળીના તહેવારોએ કંઈક રાહત આપી છે અને બજારમાં ઘરાકી નીકળી છે. આ ઘરાકીમાં પણ લોકો જે ખરીદી કરે છે તેમાં જિંદગીની અનિવાર્યતાઓનો પ્રભાવ અધિક છે. બજારમાં જ્યાં સુધી શોખની અને વધારાની વસ્તુઓની ખરીદી જોર ન પકડે ત્યાં સુધી તેજીનો તોખાર દેખાતો નથી. આજકાલ જે મોટા મોટા મોલ છે એમાં પણ લોકો હવે માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ લેવાના હિમાયતી થઈ ગયા છે. ખરેખર મોલનો માર્કેટિંગ હેતુ ગ્રાહકની ખરીદ શક્તિને ઊંચે લઇ જવાનો છે. એણે (ગ્રાહકે) ઘરેથી નક્કી કર્યું હોય એનાથી વધારાની જે વસ્તુઓ એ ઘરે લઇ જાય એટલી મોલ મેજિકની સફળતા છે. કારણ કે તમારે શું જોઇએ છે એ નક્કી કરવા માટે દરેક મોલ અનેક વિકલ્પોનું પ્રદર્શન કરે છે અને ગ્રાહક એમાં આકર્ષાઈ જાય છે અથવા તો ફસાઈ જાય છે. ફસાઈ જાય છે એમ કહેવું પણ ઉચિત નથી કારણ કે આખરે નિર્ણય તો ગ્રાહક જ લે છે. આજકાલ તો કરિયાણાની દુકાનની તુલનામાં મોલ જે વધારાનું કન્સેસન આપે છે એના પર જ એની જીવાદોરી ચાલે છે.
અત્યારે પારિવારિક અર્થતંત્ર તૂટી જતાં મંદી વધી રહી છે. આ જે મંદીનો પ્રભાવ છે એને ઘટાડવા માટે અને તેજી ને પુનઃસન્ક્રાંત કરવા માટે કેન્દ્ર સરકારના નાણાં મંત્રી સરકારના ગળે આ વાત ઉતારવા તનતોડ મહેનત કરે છે પરંતુ NDA સરકારના ગળામાં આ વાત કેમ ઉતરતી નથી? એ નાણાં મંત્રી ને સમજાતું નથી. હાલની આ કારમી મોંઘવારીમાં ઘરમાં આવતા પગારની રકમ વધવાની નથી ત્યારે પરિવારોએ પગારની સંખ્યા વધારવી પડશે. એક પગારે આખા કુટુંબો તરી ગયા એ જમાનો તો ગયો. હવે એક પગારે ડૂબી જવાનું જોખમ છે. અને એકાંગી આવક પર પરિવારો નભી શકે એમ નથી. ઝાઝા હાથ રળિયામણા નહિ થાય તો ઘર ભાંગી જશે. હજુય આપણે ત્યાં પુખ્ત થયેલા સંતાનો મને તો આ કામ ફાવે ને તે કામ તો હું ન કરું જેવા વા-વંટોળ મનમાં ભરાયેલા છે. એટલે એમણે તો હજુય બેસી જ રહેવાનું છે. કારણકે આ ફાટ-ફાટ થતી મોંઘવારીમાં જે કામ મળે એને ઝડપી લેવાનું છે. અને એમાંથી જ કામ કરતાં-કરતાં વધુ ઊંચા અને પસંદગીના કામ તરફ પગ ઉપાડવાનો છે. સરકારનું કદમ એ હોવું જોઈએ કે નાની-નાની નોકરીઓની સંખ્યા વધે અને ખેડૂતોની આવક વધે. જો આ બન્ને વધશે તો જ મોંઘવારીને બ્રેક લાગશે.




