
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુરુવારે નાગાલેન્ડથી આસામ પહોંચી હતી. શિવસાગર જિલ્લામાંથી શરૂ થયેલી આ યાત્રા આસામના 17 જિલ્લામાંથી પસાર થશે અને 833 કિલોમીટરનું અંતર કાપશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળતી આ યાત્રા 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા નાગાલેન્ડથી શિવસાગર જિલ્લાના હલુવાટિંગ થઈને આસામ પહોંચી હતી. રાહુલે સવારે નાગાલેન્ડના તુલીથી બસ યાત્રા ફરી શરૂ કરી અને લગભગ 9:45 વાગ્યે આસામ પહોંચ્યા.
ગાંધીનું હલુવાટિંગ ખાતે સેંકડો પક્ષના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજ્યની આઠ દિવસની મુલાકાત માટે કોંગ્રેસના આસામ એકમના નેતાઓને રાષ્ટ્રીય ધ્વજ સોંપવામાં આવ્યો હતો. આ યાત્રા આસામમાં 25 જાન્યુઆરી સુધી ચાલશે. રાહુલ ગાંધી આસામના શિવસાગર જિલ્લાના અમગુરી અને જોરહાટ જિલ્લાના મરિયાની વિસ્તારમાં બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત જનસભા પહેલા રાહુલ ગાંધી આમગુરી અને મેરિયાનીમાં રોડ શો પણ કરશે. આ યાત્રા આસામના સૌથી મોટા નદી ટાપુ માજુલીમાંથી પણ પસાર થશે.