કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે રોકાણ કરારને મંજૂરી આપી હતી. આ કરાર મેન્યુફેક્ચરિંગ અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગને મોટો વેગ આપશે તેવી અપેક્ષા છે.
આ મહત્વાકાંક્ષી રોકાણ કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને UAEની મુલાકાત લે તેવી શક્યતા છે. કેબિનેટે કાપડ અને વસ્ત્રો માટે નિકાસ પ્રોત્સાહન યોજના ‘ધ રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સ એન્ડ લેવીઝ’ને 31 માર્ચ, 2026 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી હતી.
આ યોજના 2020 માં શરૂ કરવામાં આવી હતી અને અગાઉ માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF)ને 2025-26 સુધી લંબાવવામાં આવ્યું હતું. જૂન 2020માં સરકારે 15 હજાર કરોડ રૂપિયા સાથે આ ફંડની સ્થાપનાને મંજૂરી આપી હતી.