
કોર્ટે રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યાે અપ્રમાણસર મિલકત કેસમાં આવકવેરા અધિકારીની પત્નીને બે વર્ષની જેલ ૧૩૩% વધુ સંપત્તિ મળતા CBI કોર્ટે સજા ફટકારી, આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો ગાંધીનગરની સ્પેશિયલ CBI કોર્ટે અપ્રમાણસર મિલકત ધરાવવાના ૧૭ વર્ષ જૂના એક મહત્ત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાંધીનગરના તત્કાલિન અધિક આવકવેરા કમિશનરના પત્ની જશોદાબેન વડાદિયાને દોષી ઠેરવી બે વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારના દંડની સજા ફટકારી છે.
જ્યારે આવકવેરા અધિકારીનું મૃત્યુ થતા કેસ પડતો મૂકાયો છે. ગાંધીનગર CBI એ ૩૦ જૂન, ૨૦૦૭ના રોજ તત્કાલિન આવકવેરા અધિકારી રમેશભાઈ ફૂલચંદ વડાદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ૧ જાન્યુઆરી, ૨૦૦૨થી ૩૦ એપ્રિલ, ૨૦૦૭ દરમિયાન આ મિલકતો વસાવવામાં આવી હતી. શરૂઆતમાં રૂપિયા ૨૯.૪૯ લાખની વધુ આવક જણાઈ હતી, જે તેમના જાણીતા સ્રોતો કરતા ૨૪૭ % વધુ હતી. CBI એ ૨૪ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ રમેશભાઈ અને તેમના પત્ની જશોદાબેન સામે રૂપિયા ૨૫.૪૬ લાખની વધારાની સંપત્તિ (૧૩૩.૯૮%) બદલ ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસની કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ ચાલી રહી હતી તે દરમિયાન મુખ્ય આરોપી રમેશભાઈ વડાદિયાનું અવસાન થયું હતું. કાયદાકીય જાેગવાઈ મુજબ તેમના મૃત્યુને કારણે તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. જાેકે, તેમની પત્ની જશોદાબેન સામે ‘ખાનગી વ્યક્તિ’ તરીકે મિલકતો રાખવા બદલ કેસ ચાલુ રહ્યો હતો. CBI કોર્ટે પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી ઠેરવ્યું હતું કે, જશોદાબેન વડાદિયા આ ગુનામાં સહભાગી હતા. કોર્ટે જશોદાબેનને બે વર્ષની સખત કેદ અને રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે.





