ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બુધવારે રૂ. 800 કરોડના પ્રોજેક્ટ હેરિટેજ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ ઐતિહાસિક પુરી જગન્નાથ મંદિરની આસપાસ બનાવવામાં આવ્યો છે. હેરિટેજ કોરિડોરને શ્રીમંદિર પરિક્રમા પ્રકલ્પ નામ આપવામાં આવ્યું છે. સીએમ પટનાયકે પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ અને લગભગ 90 મંદિરોના પ્રતિનિધિઓ અને હજારો ભક્તોની હાજરીમાં શ્રી મંદિર પરિક્રમા પ્રકલ્પનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું.
મંદિરમાં ભક્તોને આ નવી સુવિધાઓ મળશે
આ દરમિયાન સીએમ નવીન પટનાયકે કહ્યું કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, મંદિરની આસપાસ પાર્કિંગ, રસ્તાઓ અને ભક્તોની અવરજવર માટે પુલ, ભક્તો માટે સુવિધા કેન્દ્ર, ક્લોકરૂમ, શૌચાલય અને અન્ય ઘણી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉદઘાટન પ્રસંગના અવસરે યાત્રાધામ પુરી શહેરને ફૂલો, રંગબેરંગી રોશની અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યું છે.
ઓડિશા સરકાર અન્ય ઘણા મંદિરોમાં પણ સુવિધાઓ વધારશે
ઓડિશા સરકારે વર્ષ 2019માં પુરી જગન્નાથ મંદિરના હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સરકારે મંદિરની ફરતે 75 મીટરનો કોરિડોર બનાવ્યો છે. ગ્રીન બફર ઝોન, વૉકિંગ પાથ, સ્વાગત કેન્દ્ર, સાંસ્કૃતિક કેન્દ્ર, પુસ્તકાલય, જગન્નાથ બલ્લભ તીર્થ વિસ્તારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુવનેશ્વરના લિંગરાજ મંદિર, સંબલપુરના સામલેશ્વરી મંદિર અને બેરહમપુરના તારા તારિણી મંદિરમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે.