
AI ઈનોવેશનના નામે ફ્રોડ.‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી. AI એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર ધકેલી દેવાઈ.એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ‘ ખાતે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬‘ યોજાઈ રહી છે, જાેકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડૉગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને AI એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે.
યુનિવર્સિટીએ કહ્યું છે કે, સ્ટોલ પર ઉભેલા તેના પ્રતિનિધિ દ્વારા ખોટી માહિતી અપાઈ છે, જેના કારણે લોકોમાં ભ્રમ ઉભો થયો છે. પ્રતિનિધિ પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી જાણતા ન હતા. તેમણે ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોતની ખોટી માહિતી કહી દીધી હતી. પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી ન હતી. જાેકે ખોટી માહિતી ફેલાવવાનો તેમનો ઈરાદો પણ ન હતો.
હવે કંપનીએ ચાઈનીઝ રોબોડૉગ મામલે માફી માંગી છે અને આયોજક દ્વારા એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવાના ર્નિણયને સ્વિકારી લીધો છે. આમ યુનિવર્સિટીએ વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહા સિંહ પર ફોડી દીધું છે.
યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘એઆઈ સમિટમાં ગડબડ મામલે અમે માફી માંગીએ છીએ. સ્ટોલ પર ઉભેલા અમારા પ્રતિનિધિને પ્રોડક્ટ અંગે ચોક્કસ માહિતી ન હતી. ટેકનિકલ રીતે પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાંથી થયું છે, તેની પ્રતિનિધિને માહિતી ન હતી. તેમને પ્રેસ સાથે વાત કરવાનો અધિકાર ન હતો, જાેકે કેમેરા સામે આવતા તેઓ ઉત્સાહમાં આવી ગયા અને ખોટી માહિતી આપી દીધી. અમે આયોજકોની ભાવનાઓને સમજીને સ્ટોલ ખાલી કરી દીધો છે.’
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં યોજાઈ રહેલ એઆઈ સમિટમાં ગ્રેટર નોઈડાની જાણીતી ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા ‘ઓરિયન‘ (Orion) નામનો રોબોટ ડોગ રજૂ કરાયો હતો. વાસ્તવમાં આ રોબોડૉગ ચીને બનાવેલો હતો અને યુનિવર્સિટીએ તેને માર્કેટમાંથી ૨.૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યુનિવર્સિટીએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આ રોબોટ તેણે પોતે બનાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે રોબોડૉગને ૩૫૦ કરોડ રૂપિયાની પોતાની AI ECO SYSTEM હિસ્સો ગણાવીને રજૂ કર્યો હતો.




