
ભારતીય રેલવેમાં ID ચકાસણી ફરજિયાત.બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં કડક નિયમો.મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે, આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે બાંગ્લાદેશ અને નેપાળ સહિત આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં ચાલતી રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી માટે ઓળખ પુરાવાની ચકાસણી ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ટ્રેનમાં નામ જણાવવામાં આવતાં અથવા તો સીટ નંબર કહેવામાં આવતાં પુષ્ટિ થઈ જતી હતી. જાેકે હવે જે નામની સીટ હશે એનુંt ID ચેક કરવામાં આવશે. જાે એક કરતાં વધુ વ્યક્તિ હોય તો કોઈ પણ એક વ્યક્તિની ID હોવી જરૂરી છે.
૨૦૨૬ની ૪ ફેબ્રુઆરીએ રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને લખેલા પત્રમાં જણાવ્યું કે રિઝર્વ ક્લાસમાં મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા એક મુસાફરે મૂળ ઓળખ પુરાવો રજૂ કરવું ફરજિયાત છે. જાે આવું ન કરવામાં આવે તો તમામ મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરતા ગણવામાં આવશે. આથી તેમને દંડ પણ કરવામાં આવી શકે છે અને ટ્રેનમાંથી ઉતારી પણ મૂકવામાં આવી શકે છે.
ઝોનલ રેલવેને વધુમાં સૂચના આપવામાં આવી છે કે કોઈપણ મુસાફર જાે કન્સેશનનો લાભ લેતો હોય અથવા ખાસ કેટેગરી માટે રાખેલા ક્વોટા હેઠળ ટિકિટ બુક કરતો હોય તો તેને માન્ય ઓળખ પુરાવો રજૂ કરવું પડશે. તેમની કન્સેશન અથવા રિઝર્વેશન ક્વોટાની દાવેદારી સાચી છે એ તેમણે ટ્રેનમાં સાબિત કરવું પડશે અને જાે એ કરવામાં નિષ્ફળ રહ્યાં તો એ કન્સેશનના પૈસા ચૂકવવા પડશે.
રેલવે બોર્ડે ૬ ફેબ્રુઆરીએ રજૂ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે “આ સૂચનાઓને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારોમાં જેમ કે નેપાળ, બાંગ્લાદેશ નજીકના વિસ્તારમાં ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તેમ જ નિયમોનું કડક પાલન કરવામાં આવે એની જવાબદારી રેલવે કર્મચારીઓની છે.”
રિઝર્વ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને રેલવે મુસાફરી દરમિયાન સાચો ઓળખ પુરાવો સાથે રાખવું ફરજિયાત છે.
આ માટે રેલવે દ્વારા કેટલાક માન્ય ઓળખ પુરાવાની યાદી પણ રજૂ કરવામાં આવી છે:
* ભારતના ચૂંટણી આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલો મતદાર ફોટો ઓળખ કાર્ડ
* પાસપોર્ટ
* ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલો PAN કાર્ડ
* RTO દ્વારા આપવામાં આવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ
* કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સીરિયલ નંબર ધરાવતું ફોટો ઓળખ કાર્ડ
* માન્યતા ધરાવતી શાળા/કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ફોટો સાથેનું સ્ટુડન્ટ આઈડેન્ટિટી કાર્ડ
* ફોટો સાથેની નેશનલાઇઝ્ડ બેંક પાસબુક
* યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ એટલે કે આધાર કાર્ડ




