Nijjar Murder Case : કેનેડિયન પોલીસે ગયા વર્ષે જૂનમાં ભારતીય નામાંકિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. કેનેડિયન ન્યૂઝ સાઇટ CBC ન્યૂઝે શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડિયન પોલીસ ટૂંક સમયમાં આ અંગે વિગતો શેર કરશે. 18 જૂનના રોજ, બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.
CBC રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ કરાયેલા લોકોના ભારત સરકાર સાથે સંબંધ હોઈ શકે છે. જોકે, ભારતે નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણી હોવાની શક્યતાને નકારી કાઢી છે. સપ્ટેમ્બર 2023 માં, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે ભારત સરકારે કેનેડાને કહ્યું હતું કે હરદીપ નિજ્જરની હત્યા જેવા કૃત્યોમાં સામેલ થવું ભારત સરકારની નીતિ નથી.
ધરપકડ કરાયેલા શકમંદો 2021 પછી કેનેડા પહોંચ્યા હતા
CBC ન્યૂઝે શુક્રવારે પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને વધુમાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો 2021 પછી અસ્થાયી વિઝા પર કેનેડા આવ્યા હતા. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત સહયોગી હોવાનું કહેવાય છે, જે હાલમાં ભારતીય જેલમાં કેદ છે. બિશ્નોઈ પર મે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
સીટીવી ન્યૂઝ અનુસાર, ધરપકડ કરાયેલા ત્રણ શંકાસ્પદોની ઓળખ કોર્ટના દસ્તાવેજોમાં કરનપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બ્રાર તરીકે કરવામાં આવી છે. ત્રણેય પર અન્ય એક હત્યા કેસમાં કાવતરું રચવાનો આરોપ છે. ગયા વર્ષે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. ભારત સરકારે આ આરોપને વાહિયાત ગણાવીને સખત રીતે નકારી કાઢ્યો હતો.
નિજ્જરની હત્યાનો વીડિયો સામે આવ્યો
ગયા મહિનાની શરૂઆતમાં, હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કથિત વિડિયો ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં નિજ્જરને સશસ્ત્ર માણસો દ્વારા ગોળી મારતા દર્શાવવામાં આવ્યા હતા. નિજ્જરને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુદ્વારામાંથી બહાર આવતાની સાથે જ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલામાં છ લોકો સામેલ હતા.
નિજ્જરની હત્યા બાદથી ભારત-કેનેડાના સંબંધો તંગ છે. 2 મેના રોજ, વિદેશ મંત્રાલયે જસ્ટિન ટ્રુડોની હાજરીમાં એક જાહેર કાર્યક્રમમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચારની નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે તે કેનેડામાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને આપવામાં આવેલી રાજકીય જગ્યા દર્શાવે છે.