Monsoon 2024: ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના રિપોર્ટ અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે.
ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે
આ મુજબ ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય ચોમાસું રહેવાની ધારણા છે. દેશમાં 868.6 મીમીના લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદના 102 ટકા વરસાદની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન મધ્ય અને પશ્ચિમ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સામાન્ય વરસાદ અને ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વીય ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.
‘મોન્સૂન ફોરકાસ્ટ 2024’ શીર્ષક હેઠળનો અહેવાલ દર્શાવે છે કે ભારતના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સાનુકૂળ વરસાદ પડશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા ચોમાસા પર આધારિત મુખ્ય વિસ્તારોમાં પૂરતો વરસાદ થવાની અપેક્ષા છે.
આ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત પૂર્વી રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદનું જોખમ છે. ઉત્તરપૂર્વ ભારતમાં સિઝનના પહેલા ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. સ્કાયમેટે વધુમાં જણાવ્યું હતું કે કેરળ, કોંકણ, કર્ણાટક અને ગોવામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. દેશના મધ્ય ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે.