
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના સાથીદારો શુક્રવારે સવારે બોટ દ્વારા માજુલી જવા રવાના થયા અને આ સાથે જ આસામમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ફરી શરૂ થઈ. યાત્રામાં ભાગ લેનારા નેતાઓ અને સમર્થકો બોટ દ્વારા જોરહાટ જિલ્લાના નિમતીઘાટથી માજુલી જિલ્લાના અફલામુખ ઘાટ પહોંચ્યા. સાથે જ મોટી બોટોની મદદથી કેટલાક વાહનોને પણ બ્રહ્મપુત્રા નદી પાર કરાવવામાં આવ્યા હતા.
રાહુલની સાથે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયા સહિત પાર્ટીના ઘણા ટોચના નેતાઓ હતા. અફલામુખ ઘાટ પહોંચ્યા પછી, રાહુલ કમલાબારી ચરિયાલી જશે જ્યાં તે મુખ્ય વૈષ્ણવ સ્થળ ઔણિયાતી સત્રની મુલાકાત લેશે.