(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે શિક્ષણ જાણે જ્ઞાનની યાત્રા કરતાં સ્પર્ધાની દોડ બની ગયું છે. કેટલા માર્ક્સ આવ્યા, કઇ રેન્ક આવી, કઇ કોલેજ મળી, કઇ નોકરી મળશે અને બીજા કરતાં કેટલું આગળ નીકળી શકાય – વિદ્યાર્થીનું મૂલ્યાંકન આ જ માપદંડોથી થવા લાગ્યું છે. માતા-પિતા ઘણી વખત પ્રેમ અને ચિંતામાંથી અપેક્ષા રાખે છે. પરંતુ એ અપેક્ષા ક્યારે દબાણમાં પરિવર્તિત થઈ જાય છે તેનો ખ્યાલ ઘણી વાર તેમને પણ રહેતો નથી.
પરિણામે બાળક માટે પરીક્ષા માત્ર પરીક્ષા રહેતી નથી. તે પોતાની કિંમત અને પોતાની ઓળખ સાબિત કરવાની લડાઈ બની જાય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણમાં બહાર આવેલા આંકડા આ ચિંતાને વધુ ગંભીર બનાવે છે. સર્વેમાં નવ ટકા વિદ્યાર્થીઓ એ આત્મહત્યાના વિચારો આવ્યા હોવાનું સ્વીકાર્યું હતું જ્યારે આશરે પંદર ટકા વિદ્યાર્થીઓએ છેલ્લા છ મહિનામાં અત્યંત તણાવ કે પરેશાનીનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું.
આશરે ૩૪ ટકા વિદ્યાર્થીઓએ કેમ્પસ માં કોઈ ને કોઈ રીતે પોતાને બહારના વ્યક્તિ જેવા અનુભવ્યા હતા. આ આંકડા માત્ર આંકડા નથી, તેની પાછળ એવા યુવાનો છે જેઓ કદાચ પોતાના મનની વાત કોઈ ને કહી શક્યા નથી. વિદ્યાર્થી જ્યારે જીવન ટૂંકાવે છે ત્યારે એને કોણ સમજાવે કે પરીક્ષા ફરી આપી શકાય છે. કારકીર્દીનો રસ્તો બદલી શકાય છે, એક વર્ષ ગુમાવી શકાય છે, પરંતુ જીવન પાછું મેળવી શકાતું નથી. તેથી પરિવાર, શિક્ષણ સંસ્થા અને સરકાર ત્રણેય મળીને એવી વ્યવસ્થા કરેકે જેમાં સફળતાની સાથે નિષ્ફળતાનો સ્વીકાર કરવાની પણ તાલીમ મળે. કારણ કે વિદ્યાર્થીનું જીવન વધુ મૂલ્યવાન છે.




