(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ભારતના સડેલા, ભ્રષ્ટ વહીવટીતંત્ર, કઠપૂતળી સમાન બની ગયેલા કાયદા અને ગોકળ ગાયની (ધીમી) ગતિએ ચાલતા ન્યાયતંત્ર દ્વારા આચરવામાં આવતી સુનિયોજિત સંસ્થાકીય હત્યાઓ છે. દેશમાં ગાયની રક્ષા માટે સેંકડો કાયદા બની શકે છે, રાજકીય વિરોધીઓને જેલભેગા કરવા રાતોરાત કાયદા બની શકે છે. રાજકીય વિરોધીઓ કે વિચારધારાના વિરોધીઓના ઘરે, ઓફિસે કે પછી અન્ય સ્થળોએ અડધી રાતે બુલડોઝર દોડી શકે છે, પણ નિર્દોષ નાગરિકોને અગ્નિકુંડ કે કાટમાળમાં હોમાતા બચાવવા માટે કોઈ કાયદો બનતો નથી.ભ્રષ્ટ અને પાંગળા સરકારી તંત્ર તથા ન્યાયતંત્ર સામે લોકોમાં આક્રોશ વધતો જાય છે. લોકોનું માનવું છે કે, ખરેખર દેશમાં નાગરિકોના જીવનનું સન્માન કરવું હોય તો હવે પોકળ આશ્વાસનો અને તપાસ પંચોથી આગળ વધવું પડશે.
લોકોની સૌથી મોટી અને પહેલી માગણી છે કે, ગરીબ ફેરિયા કે સામાન્ય માણસના ગેરકાયદે ઓટલા પર બુલડોઝર ફરી શકતું હોય, તો જે ટાઉન પ્લાનર, ફાયર ઓફિસર કે કમિશનરની સહીથી આવી ગેરકાયદે મોતની ઇમારતો ઊભી થઈ હોય, તેમની કરોડોની બેનામી મિલકતો જપ્ત કરીને તેમના ઘરો પર બુલડોઝર કેમ નથી ચાલતું? એટલું જ નહિ પરંતુ લોકો એવું પણ કહી રહ્યા છે કે, કોઈપણ દુર્ઘટના બને ત્યારે સૌથી પહેલી FIR એ વિસ્તારના વોર્ડ ઓફિસર અને ફાયર ઓફિસર સામે "સદોષ મનુષ્યવધ" હેઠળ નોંધાવી જોઈએ. સસ્પેન્શન એ કોઈ સજા નથી, એ તો પગાર સાથેની રજા સમાન છે. તેમાં સંડોવાયેલા પટાવાળાથી માંડીને નેતા સુધી તમામની સામે ફરિયાદ થવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.
આવા કેસોની સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતો સ્થપાવી જોઈએ, જેમાં ૯૦ દિવસની અંદર તમામ પુરાવા અને સાક્ષીઓની તપાસ પૂર્ણ કરી આજીવન કેદ સુધીની સજા ફટકારવી જોઈએ. હવે લોકોનું માનવું છે કે, શહેરો અને રાજ્યોના નગરપાલિકા કે શહેરી વિકાસ મંત્રીઓ જ્યાં સુધી રાજીનામા નહીં આપે અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારશે નહીં, ત્યાં સુધી સરકારી તંત્ર ક્યારેય ગંભીર નહીં બને.
જો આજે આપણે આ ભ્રષ્ટ અને નધરોળ સિસ્ટમ, લાંચિયા બાબુઓ અને નિષ્ક્રિય ન્યાયતંત્ર સામે અવાજ નહીં ઉઠાવીએ, તો આપણે પણ આ સામૂહિક સંસ્થાકીય હત્યાઓના મૂક સમર્થક ગણાઈશું. હવે સરકારના દંભી આશ્વાસનો નહીં, ન્યાયના નામે દાખલા રૂપ સજા જોઈએ છે. આ છે આજની પ્રજાનો પોકાર?




