સરકાર તેને શા માટે પાસ કરાવવા માગે છે? શું છે વંદે માતરમ બિલ? જે અમિત શાહ રાજ્યસભામાં રજૂ કરશે જાે આ બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થઈ જશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે રાજ્યસભામાં વંદે માતરમ બિલ રજૂ કરશે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‘ને એવી જ કાનૂની માન્યતા અને સુરક્ષા આપવાનો છે, જેવી હાલમાં રાષ્ટ્રગાન ‘જન ગણ મન‘ને પ્રાપ્ત છે. જાે આ બિલ અમલમાં આવશે તો રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેથી વંદે માતરમનું અપમાન કરવું પણ સજાપાત્ર ગુનો બની જશે અને કાનૂની સુરક્ષાના મામલે તેને રાષ્ટ્રગાન જેટલો જ દરજ્જાે મળશે.
પ્રસ્તાવિત કાયદા મુજબ, જાે કોઈ વ્યક્તિ જાણીજાેઈને રાષ્ટ્રીય ગીતનું અપમાન કરે અથવા તેના ગાનમાં અવરોધ ઉભો કરે તો તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. હાલમાં રાષ્ટ્રીય સન્માનના અપમાનને અટકાવવા સંબંધિત કાયદા હેઠળ રાષ્ટ્રગાનનું સન્માન કરવું ફરજિયાત છે. તેમાં રાષ્ટ્રગાન દરમિયાન ઉભા રહેવું જરૂરી છે અને તેના અપમાન અથવા ગાનમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ છે. પ્રસ્તાવિત ફેરફારનો હેતુ વંદે માતરમને પણ એવી જ કાનૂની સુરક્ષા આપવાનો છે, જે અત્યાર સુધી રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા હોવા છતાં તેને મળી નથી. પ્રસ્તાવિત કાયદા મુજબ, જાે આ બિલ સંસદના બંને ગૃહોમાંથી પાસ થઈ જશે તો વંદે માતરમનું અપમાન કરવું ફોજદારી ગુનો બની જશે. તેનાથી રાષ્ટ્રીય ગીત પણ રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય ધ્વજ અને સંવિધાન જેવા અન્ય રાષ્ટ્રીય પ્રતીકોને મળતી કાનૂની સુરક્ષાના દાયરામાં આવી જશે.
હાલના કાયદા મુજબ, જાે કોઈ વ્યક્તિ જાણીજાેઈને રાષ્ટ્રગાન ગાતા અટકાવે અથવા તેના દરમિયાન અવરોધ ઊભો કરે તો તેને ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. પ્રસ્તાવિત ફેરફારનો હેતુ વંદે માતરમના ગાનને જાણીજાેઈને રોકવું, તેમાં અવરોધ ઊભો કરવો અથવા તેનું અપમાન કરવું જેવા કૃત્યો પર પણ આ જ સજા લાગુ કરવાનો છે.
સુધારેલા બિલમાં ખાસ કરીને એવી જાેગવાઈનો પ્રસ્તાવ છે કે જાે કોઈ વ્યક્તિ જાણીજાેઈને રાષ્ટ્રીય ગીત ગાતા રોકે, તેમાં અવરોધ ઊભો કરે અથવા તેના ગાન માટે ભેગી થયેલી ભીડમાં ખલેલ પહોંચાડે તો તેને ૩ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ કાનૂની પગલું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૯ જુલાઈએ તમામ રાજ્યોને આપેલા નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી કાર્યક્રમોમાં જ્યારે પણ ‘જન ગણ મન‘ ગવાય, તે પહેલાં ‘વંદે માતરમ‘ વગાડવામાં આવે. આ પ્રસ્તાવિત સુધારા પર સંસદના ચાલુ ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા થવાની શક્યતા છે.





