(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતનો સામાન્ય નાગરિક પહેલેથી જ ચોતરફી કરવેરાના બોજ હેઠળ દબાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્યો દ્વારા વસૂલાતો અસહ્ય સેસ, રાંધણગેસના સિલિન્ડરના આસમાને પહોંચેલા ભાવો, લોટ, દૂધ- દહીં જેવી જીવનજરૂરી ચીજો પરનો જીએસટી, અને હવે ટોલ ટેક્સના સતત વધતા દરો-આ તમામ બાબતોએ મધ્યમ વર્ગનું માસિક બજેટ વેરવિખેર કરી નાખ્યું છે.
લોકો પોતાના બાળકોના શિક્ષણ અને દવાખાનાના ખર્ચાઓ પહોંચી વળવા માટે કરકસર કરી રહ્યા છે. ત્યારે સરકાર આજ નાગરિકોના ડિજિટલ પેમેન્ટ પર ૦.૪% ટકાની નવી કાતર ચલાવી રહી છે. જો રૂપિયા ૫,૦૦૦ નું ટ્રાન્ઝેક્શન થાય એટલે સીધા રૂપિયા ૨૦ કપાઈ જાય. જ્યારે દેખીતી રીતે તમને આ આંકડો નાનો લાગે, પણ કરોડો વ્યવહારોના સરવાળે રકમ હજારો કરોડોમાં પહોંચે છે. જે સીધી રીતે જ પ્રજાના ખિસ્સામાંથી સેરવી લેવાય છે. આવી નીતિઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશનું વહીવટીતંત્ર આજે ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
જ્યારે વાસ્તવિકતા એ છે કે સરકાર પાસે દેશમાં રોજગારીની નવી તકો ઉભી કરવાની કોઈ નક્કર યોજના જ નથી. આર્થિક ઉત્પાદકતા વધારીને વ્યાજબી રીતે આવક પેદા કરવાની દીર્ઘદ્રષ્ટિ નથી. ત્યારે સત્તાધીશો આવી શોર્ટકટ નીતિઓ અપનાવીને પ્રજાના ખિસ્સા ખંખેરવાનો (આમ તો કાતરવાનો) ધંધો શરૂ કરી દે છે.
આ પહેલાં પણ ક્રેડિટ કાર્ડ પર પણ ૨.૫ ટકાથી લઈને ૫ ટકા સુધીના ચાર્જીસ ઝીંકીને ડિજિટલ લેવડ દેવડને મોંઘી બનાવી દેવાઈ હતી. આ એક જાતની પ્રજાની સાથે સીધી આર્થિક છેતરપિંડી જ છે. આમ ખાડે ગયેલા અર્થતંત્રની તિજોરીના ખાડા પૂરવા માટે સામાન્ય માણસનું લોહી ચૂસવાને બદલે શાસકોએ પોતાના બિનજરૂરી તાયફાઓ,કરોડોના ડોમ અને પીઆર એજન્સીઓ પાછળ થતા આંધળા ખર્ચાઓ પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂકવું પડશે.
પ્રજા મૌન રહીને બધું જુએ છે, સમજે છે. પરંતુ જ્યારે તેના ચૂલા અને રોજીરોટી પર સીધો ઘા થાય છે, ત્યારે એ મૌન મોટા આક્રોશમાં ફેરવાતા વાર નથી લાગતી. ભૂખ્યા જનોનો અગ્નિ પ્રજવલિત થાય એ પહેલાં સરકાર પ્રજાહિતનો ખ્યાલ કરે એ જ ઇચ્છનીય છે.




