(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
સુરતના એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) દ્વારા તૈયાર કરાયેલા અને લો એન્ડ ઓર્ડર ના આઇ જી દ્વારા ચકાસાયેલા આ પ્રાથમિક તપાસ અહેવાલને ગૃહ વિભાગના એસીએસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કેસની વિગતવાર માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં ફેરવીને લાઠીઓથી માર મારવાના ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રે ની ડિવિઝન બેંચ સમક્ષ આ સુઓમોટો પ્રોસિડિંગ્સની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તત્કાલિન ઇન્ચાર્જ ડીસીપી ઝોન-૨ રાજદીપસિંહ નકુમ પોલીસ કર્મચારીઓ સાથે હાજર રહીને આરોપીઓ પર અત્યાચાર ગુજારતા નજરે પડયા હતા. જેના કારણે માનવાધિકારોનાં ગંભીર ઉલ્લંઘન અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ ના ભંગ બદલ હાઇકોર્ટે સ્વમેળે ગંભીર નોંધ લીધી હતી.
હવે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા અદાલતમાં સીલબંધ કવરમાં પ્રિલિમિનરી ઇન્ક્વાયરી રિપોર્ટ રજૂ કર્યો હતો. અને આ કેસમાં ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર ના રોજ વધુ એક એફિડેવિટ દાખલ કરીને કોર્ટના રેકોર્ડ પર લેવામાં આવી છે. આમ પ્રાપ્ત સામગ્રી અને પુરાવાઓના આધારે રાજ્ય સરકારે પ્રાથમિક તારણ મેળવ્યું છે કે, સંબંધિત અધિકારીનું આ કૃત્ય ઓલ ઇન્ડિયા સર્વિસિસ રૂલ્સ, ૧૯૬૮ ના નિયમ ૩(૧)નું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. જે દરેક અધિકારી માટે સંપૂર્ણ પ્રામાણિકતા, ફરજ પ્રત્યે નિષ્ઠા અને ગરિમાપૂર્ણ વર્તનની અપેક્ષા રાખે છે.
આ ગંભીર અનિયમિતતાને પગલે ડીજીપી કાર્યાલયની સંમતિથી ગૃહ વિભાગ દ્વારા ગત તારીખ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ આરોપી IPS અધિકારીને કારણ દર્શાવો નોટિસ (શો કોઝ નોટિસ) ફટકારવામાં આવી છે.




