
ભારતના નવા લોકપાલની નિમણૂકને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. એવા અહેવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે એક મોટી બેઠક યોજાઈ હતી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવી શક્યતાઓ છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એએમ ખાનવિલકરને નવા લોકપાલ બનાવવામાં આવે.
બુધવારે નામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધ હિંદુના એક અહેવાલ મુજબ ખાનવિલકરને ભારતના આગામી લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. પીએમ મોદી ઉપરાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ પણ બેઠકમાં હાજર હતા.

લોકપાલની સ્થાપના લોકપાલ અને લોકાયુક્ત એક્ટ 2013 હેઠળ કરવામાં આવી હતી. લોકપાલનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કાયદાના દાયરામાં આવતા અધિકારીઓ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું છે. હાલમાં, ઝારખંડ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ કુમાર મોહંતી લોકપાલના કાર્યકારી અધ્યક્ષ છે.
મીટિંગ દરમિયાન લોકપાલ સિવાય સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા પર પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજિંગ ડિરેક્ટર એએસ રાજીવની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ અધીર રંજન તેમના નામ પર સહમત ન હતા. અહેવાલ છે કે તેણે પૂર્વ બેંકર અતનુ દાસનું નામ સૂચવ્યું હતું.
