
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પોલીસ પણ આખરે કાળા માથાનો માનવી છે. એ પણ લાગણી, પ્રેમ, સંવેદના, દયા, ગુસ્સો વિગેરે સામાન્ય માનવીની માફક જ વ્યક્ત કરતો હોય છે. ત્યારે અહીં એવો જ એક લાગણીસભર, પ્રેમ, કરુણા અને મહિલાના આત્મ સન્માનનો આ કિસ્સો જાણવા જેવો છે. વાત છે ઉદયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ થાણામાં ૨૫ વર્ષથી ભોજન બનાવતી મીરાબાઈ નામની મહિલાના દીકરા માટે મામા બનીને જવાબદારી નિભાવી હતી. રવિવારે સાંજે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ પૂરણસિંહ રાજપુરોહિત સહિત તમામ પોલીસો ઢોલ-નગારા સાથે મીરાબાઈના ઘરે પહોંચ્યા હતા. એ વખતે તેઓ પરંપરાગત અંદાજમાં થાળીમાં મામેરું સજાવીને લઈ ગયા હતા. પોલીસો તેમની વરદી પર માથે સાફા બાંધીને સજાવેલા થાળમાં કપડાં અને રોકડ રકમ લઈને મંડપ સુધી પહોંચ્યા હતા. મીરાબાઈ એ પોલીસભાઈઓનું જોરદાર સ્વાગત કર્યું હતું. અને પોલીસ ટીમે ૧,૧૧,૦૦૦/- રૂપિયા ( એક લાખ અગિયાર હજાર રૂપિયા) ની રોકડ રકમ સાથેનો થાળ મામેરા તરીકે ભેટ આપતાં મીરાબાઈ ભાવુક થઈ ગયા હતા.
મીરાબાઈ છેલ્લા ૨૫ વર્ષથી પોલીસ થાણામાં ભોજન બનાવવાનું કામ કરે છે. અને તેઓ એક મા ની જેમ તમામ પોલીસોનું ધ્યાન રાખીને જમાડતા આવ્યા છે. તેમના પ્રેમને જોતાં પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા મળીને નક્કી કર્યું કે તેમના દીકરાના લગ્નમાં મામેરું પોલીસ સ્ટાફ તરફથી કરવામાં આવે તો એક જુદા જ પ્રકારનો દાખલો સમાજમાં બની જાય. મીરાબાઈનું કહેવું છે કે તેનો દીકરો મુકેશ છ મહિનાનો હતો ત્યારે તેના પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે એકલપંડે મહેનત કરીને દીકરાને ઉછેર્યો છે.
આમ આ કિસ્સો પોલીસની બીજીબાજુ ને ઉજાગર કરી પોલીસ પણ આખરે માનવી છે. એનું જવલંત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.





