
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે બળાપો ઠાલવ્યો વડોદરા ક્રિકેટમાં સત્તાધિશોને સલામ કરનારાઓને જ કામ મળે છે ઈરફાન પઠાણે કહ્યું BCA નું સ્તર સતત નીચે જઈ રહ્યું છે
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આવનારી ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર ઇરફાન પઠાણે હાલની વ્યવસ્થા અને સત્તાધીશો સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે જઈ રહ્યું છે અને ક્રિકેટના વિકાસ માટે તાત્કાલિક સુધારાની જરૂર છે.
ઇરફાન પઠાણે કહ્યું કે BCA સાથે તેમની ઘણી યાદો જાેડાયેલી છે અને આજે તેઓ જે કંઈ છે તેમાં BCA નો મહત્વનો ફાળો છે. તેમણે કહ્યું કે, જાે BCA ન હોત તો કદાચ અમે પણ અહીં સુધી પહોંચી શક્યા ન હોત. આ સંસ્થાએ મારા જેવા અનેક ક્રિકેટરોને ઓળખ અપાવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓએ BCA કમિટીમાં એક પણ રૂપિયા લીધા વગર સેવા આપી છે અને હંમેશા સંસ્થાના હિત માટે કામ કર્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે હાલમાં ક્રિકેટના સ્તરને ઊંચું લાવવા માટે યોગ્ય અને અનુભવી લોકોની નિમણૂક થતી નથી. ચેરમેન અને સિલેક્ટર જેવા મહત્વના પદો પર બિનઅનુભવી લોકો હોવાના કારણે ર્નિણયો યોગ્ય રીતે લેવાતા નથી અને તેઓ અન્ય લોકોના ઈશારે કામ કરે છે. તેમણે જણાવ્યું કે, બિનઅનુભવી લોકોને કંટ્રોલ કરવા સરળ હોય છે, જેના કારણે ક્રિકેટને નુકસાન થાય છે.
ઇરફાન પઠાણે વડોદરાના કોચોને યોગ્ય સન્માન ન મળતું હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ઘણા કોચો અહીંથી દૂર જઈને અફઘાનિસ્તાન જેવી જગ્યાએ કોચિંગ આપી રહ્યા છે કારણ કે ત્યાં તેમને સન્માન અને તક મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સત્તાધિશોને સલામ કરનારાઓને જ અહીંયા કામ મળે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે વડોદરાના ક્રિકેટને આગળ લાવવા માટે પરિવર્તન અનિવાર્ય છે અને ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં સભ્યોએ સમજી-વિચારીને મતદાન કરીને યોગ્ય નેતૃત્વ પસંદ કરવું જાેઈએ.




