ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ODI અને T20 ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ છે, જ્યારે ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને છે. આમાં એક એવું ફોર્મેટ છે જેમાં ટીમ ઈન્ડિયા વ્યક્તિગત ખેલાડીઓની રેન્કિંગમાં પાછળ હોવાનું સાબિત થઈ રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ODI ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગની, જેમાં ટોપ-10ની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી.
વ્હાઇટ બોલ ક્રિકેટની વાત કરીએ તો, ભારતમાં હાલમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા જેવા વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર ખેલાડીઓ છે. રવિન્દ્ર જાડેજા હાલમાં ODI ક્રિકેટમાં ભારતના ટોચના ઓલરાઉન્ડર ખેલાડી છે, જે 13માં સ્થાને છે. બીજી કમનસીબી એ છે કે જાડેજા સિવાય ટોપ-20 ઓલરાઉન્ડરોની યાદીમાં અન્ય કોઈ ભારતીય ખેલાડી નથી. આ યાદીમાં હાર્દિક પંડ્યા 22મા સ્થાને છે. 50 થી વધુ ODI મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનાર અક્ષર પટેલ આ યાદીમાં ક્યાંય જોવા મળતો નથી. તે ટોપ-50માં પણ હાજર નથી. આ યાદીમાં ટોચ પર અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી છે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ભારતીય ખેલાડીઓની હાલત કેમ ખરાબ છે?
ODI ફોર્મેટમાં ભારતના ઓલરાઉન્ડર ખેલાડીઓની ખરાબ રેન્કિંગનું એક મુખ્ય કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ 2024માં માત્ર 3 ODI મેચ રમી છે. આ ત્રણ વનડે મેચ ઓગસ્ટ મહિનામાં રમાઈ હતી જેમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ODI ક્રિકેટમાં બેટ્સમેનોની રેન્કિંગ પર નજર કરીએ તો ટોપ-10માં ત્રણ ભારતીય બેટ્સમેન છે. રોહિત શર્મા (બીજા), શુભમન ગિલ (ત્રીજા) અને વિરાટ કોહલી (ચોથા) સ્થાને છે. ODI ફોર્મેટમાં, વિશ્વની નંબર-1 ટીમ એટલે કે ભારતના ત્રણ બોલર હાલમાં ટોપ-10માં છે. કુલદીપ યાદવ (ત્રીજા), જસપ્રિત બુમરાહ (આઠમા) અને મોહમ્મદ સિરાજ દસમા સ્થાને છે.