
૧૦ જૂન બાદ મોનસૂનની ગતિ ધીમી પડી શકે છે કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત ૨૪ રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી જાહેર દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનનું સત્તાવાર આગમન થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જાહેરાત કરી છે કે, મોનસૂન કેરળમાં પહોંચી ગયો છે. આગામી ત્રણથી ચાર દિવસમાં મોનસૂન કર્ણાટકના દરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવા તરફ પહોંચશે. હાલ મોનસૂનની પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ જાેવા મળી રહી છે. જાેકે, ૧૦ જૂન બાદ મોનસૂનની ગતિ ધીમી પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મોનસૂનના આગમન સાથે હવે દેશભરના લોકોની નજર એ બાબતે છે કે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતને ગરમીમાંથી રાહત ક્યારે મળશે. IMD ના અંદાજ મુજબ આગામી બે થી ચાર દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી અને દેશના અન્ય અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સાથે ગરમીથી રાહત મળવાની શક્યતા છે. આઈએમડીએ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત ૨૪ રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી જાહેર કરી છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડે ભારે વરસાદ, કરા અને ભારે પવનની ચેતવણી જાહેર કરી છે, જ્યારે દિલ્હી માટે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૩થી ૪ દિવસ દરમિયાન મોનસૂન કર્ણાટકના દરિયાકાંઠા પરથી આગળ વધીને ગોવાની અક્ષાંશ રેખા સુધી પહોંચી શકે છે. મોનસૂનની આગળ વધવા માટે જરૂરી તમામ હવામાનીય પરિબળો હાલમાં અનુકૂળ છે. જાેકે IMD ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે ૧૦ જૂન બાદ મોનસૂનની પ્રગતિ ધીમી થઇ શકે છે.
મોનસૂનના આગમન પહેલાં જ હવામાન વિભાગે ગુરુવારે સવારે કેરળના ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અલપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
IMD અનુસાર વરસાદ અને ગાજવીજ દરમિયાન સપાટી પર પવનની મહત્તમ ગતિ પ્રતિ કલાક ૪૦ કિલોમીટર સુધી પહોંચી શકે છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશૂર જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પણ પવનની ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે અગાઉ ગુરુવાર માટે કેરળના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ઓરેન્જ એલર્ટનો અર્થ ૧૧થી ૨૦ સેન્ટીમીટર સુધી અતિભારે વરસાદની સંભાવના થાય છે. મોનસૂનના સક્રિય થતાં આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની અને ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





