ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સરકારે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક અધિકારીઓએ શું કહ્યું?
જિયાંગસી પ્રાંતના યુશુઈ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે બપોરે 3:24 કલાકે એક શોપિંગ વિસ્તારના ભોંયરામાં આગ ફાટી નીકળી હતી. જે બાદ તરત જ બચાવકર્મીઓ, અગ્નિશામકો, પોલીસ અને સ્થાનિક અધિકારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ શેના કારણે લાગી? આની ખાતરી કરવામાં આવી રહી છે. જોકે, શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
આ પહેલા શનિવારે ચીનમાં બે અલગ-અલગ જગ્યાએ લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા. પ્રથમ ઘટના હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં અને બીજી ઘટના જિયાંગસી પ્રાંતમાં બની હતી.