
તમામ ત્યાં ટ્રક ડ્રાઈવિંગ કરતાં હતા.અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ૩૦ ભારતીયોની ધરપકડ કરાઈ.યુએસ બોર્ડર પેટ્રોલની બે દિવસની વ્યાપક ઝુંબેશમાં વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ૪૯ ગેરકાયદે ડ્રાઇવરો ઝડપાયા. યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ અમેરિકામાં ગેરકાયદે રહેતાં અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમીટ્રક ચલાવતા ૩૦ ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં એક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ ઉપર આવતાં તમામ વાહનોના ચેકિંગ દરમ્યાન કુલ ૪૯ ગેરકાયદે રહેતા વસાહતી ડ્રાઇવરો ઝડપાયા હતા એમ યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ગત સપ્તાહે બહાર પાડેલાં એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.૨૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર વચ્ચે બોર્ડર પેટ્રોલના જવાનોએ એવા ૪૨ ગેરકાયદે રહેતાં વસાહતીઓને ઝડપી લીધા હતા જેઓ કોમર્સિયલ લાઇસંસ ઉપર સેમિ ટ્રક ચલાવતા હતા. તેઓને વિવિધ ચેકપોઇન્ટ ઉપરથી ઝડપી લેવાયા હતા.
જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે પૈકી ૩૦ ભારતીય ડ્રાઇવરો છે, બે અલ-સાલ્વાડોરના વતનીઓ છે, જ્યારે બાકીના ચીન, હૈતી, એરિટેરિયા, હોન્ડુરાસ, મેક્સિકો, રશિયા, સોમાલિયા, તૂર્કિયે અને યુક્રેન જેવા દેશોના નાગરિકો છે. ધરપકડ કરાયેલા ગેરકાયદે ડ્રાઇવરો પાસેથી જે લાઇસંસ મળી આવ્યા છે તેમાં કેલિફોર્નિયા રાજ્ય તરફથી ૩૧ લાઇસંસ ઇસ્યુ કરાયા હતા અને બાકીના આઠ લાઇસંસ ફ્લોરિડા, ઇલિનોઇસ ઇન્ડિયાના, ઓહાયો, મેરિલેન્ડ, મિનેસોટા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પેન્સિલ્વાનિયા અને વોશિંગ્ટન રાજ્ય તરફથી ઇસ્યુ કરાયા હતા એમ એજન્સીએ તેના નિવેદનમાં કહ્યું હતું.ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના હોમલેન્ડ સિક્યુરિટિ ઇન્વેસ્ટિગેશન વિભાગની આગેવાનીમાં મોન્ટાના, ઓન્ટારિયો અને કેલિફોર્નિયામાં બે દિવસનું ઓપરેશન હાઇવે સેન્ટિનલ નામનું અભિયાન ચલાવાયું હતું જેના પગલે યુએસમાં ગેરકાયદે રહીને કમર્સિયલ લાઇસંસ મેળવીને ટ્રક ચલાવનારા ગેરકાયદે વસાહતીઓની ધરપકડ શક્ય બની હતી એમ એજન્સીએ કહ્યું હતું.




