
નિકાસની સાથે સાથે આયાત વધારવા પણ પગલું.ચીનની ૨૦૨૬માં ૯૩૫ ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત.આરોગ્યક્ષેત્રે લોકોની સુખાકારી માટે કૃત્રિમ રક્તવાહિનીઓ જેવી તબીબી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે.ચીને આગામી વર્ષથી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત જકાતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચીન માત્ર નિકાસ પર ધ્યાન આપે છે અને આયાત ખૂબ ઓછી કરે છે તેવી ટીકાઓનો જવાબ આપવા ચીને આ મહત્વનું પગલું હાથ ધર્યું છે.સ્ટેટ કાઉન્સિલના કસ્ટમ ટેરિફ કમિશને જાહેરાત કરી છે કે નવા ટેરિફ દર ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ઘટાડો ‘મોસ્ટ-ફેવર્ડ-નેશન’ દરો કરતા પણ ઓછો હશે. આ પગલાનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે તાલમેલ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનો પુરવઠો વધારવાનો છે. ચીન તેના ટેકનોલોજી ક્ષેત્રને આર્ત્મનિભર બનાવવા અને ગ્રીન ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નીચે મુજબના ફેરફારો કરશે.
ટેકનોલોજીક્ષેત્રે મુખ્ય ઘટકો અને અદ્યતન સામગ્રી પર ટેરિફ ઘટાડાશે. આરોગ્યક્ષેત્રે લોકોની સુખાકારી માટે કૃત્રિમ રક્તવાહિનીઓ જેવી તબીબી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે. ઈન્ટેલિજન્ટ બાયોનિક રોબોટ્સ અને બાયો-એવિએશન કેરોસીન જેવી નવી શ્રેણીઓ ઉમેરવામાં આવશે.ચીનના સત્તાવાર આંકડા મુજબ, દેશનો કુલ વિદેશી વેપાર આશરે ૫.૮૨ ટ્રિલિયન યુએસ ડોલર રહ્યો છે. જેમાં નિકાસ ૩.૪૬ ટ્રિલિયન ડોલર છે જ્યારે આયાત માત્ર ૨.૩૭ ટ્રિલિયન ડોલર છે. વર્ષાેથી ચીન પર આક્ષેપ થતો રહ્યો છે કે તે માત્ર ટ્રેડ સરપ્લસ (વેપારમાં નફો) વધારવા પર જ ધ્યાન આપે છે.આર્થિક સહયોગ ગાઢ બનાવવા માટે ચીન તેના ૩૪ ટ્રેડિંગ પાર્ટનર્સ સાથે અગાઉના મુક્ત વ્યાપાર કરારો મુજબ જકાત દરો ચાલુ રાખશે. વધુમાં, ચીન સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા ૪૩ સૌથી ઓછા વિકસિત દેશો માટે ૧૦૦% ટેરિફ લાઈન્સ પર ‘ઝીરો-ટેરિફ’ સારવાર પણ જાળવી રાખશે.




