
યુરોપિયન યુનિયને ગયા મહિને સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 25 ટકા ડ્યૂટીના બદલામાં લગભગ 21 અબજ યુરો (રૂ. 2320 કરોડ)ના મૂલ્યના યુએસ માલ પર ટેરિફ લાદવાની મંજૂરી આપી છે. બુધવારે, યુરોપિયન યુનિયનના 27 સભ્ય દેશોમાંથી મોટાભાગના લોકોએ દંડ લાદવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં કેટલાક ટેરિફ એપ્રિલના મધ્યમાં અમલમાં આવશે. રાજકીય રીતે સંવેદનશીલ અમેરિકી રાજ્યોને ધ્યાનમાં રાખીને ટેરિફ લાદવામાં આવ્યા છે. તેમાં હાઉસ સ્પીકર માઈક જોન્સનના હોમ સ્ટેટ લ્યુઇસિયાનાના સોયાબીન જેવા ઉત્પાદનોનો સમાવેશ થશે. આ ઉપરાંત હીરા, કૃષિ ઉત્પાદનો, મરઘાં અને મોટરસાયકલના સાધનોનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અમેરિકન સામાન પર 25 ટકા સુધીના ટેરિફની જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકાએ હાલમાં જ ચીનથી આયાત થતા સામાન પર 104 ટકા ટેરિફ લાદી હતી. તેના જવાબમાં ડ્રેગન અમેરિકાથી આવતા આયાતી સામાન પર 84 ટકા ડ્યુટી લગાવી છે. કેટલાક EU ટેરિફ એપ્રિલના મધ્યમાં અમલમાં આવશે, જ્યારે અન્ય મેના મધ્યમાં. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ત્રીજી યાદી આ વર્ષના અંતમાં 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. મોટા ભાગના લક્ષ્યાંકિત સામાન પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જ્યારે કેટલીક શ્રેણીઓ પર 10 ટકા ડ્યુટી લાદવામાં આવી છે.