
બે અમેરિકન સૈનિકો દાઝ્યા વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર યુદ્ધજહાજ USS ગેરાલ્ડ ફોર્ડમાં આગ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ ૩૩૩ મીટર છે.
અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જાેકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે.યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ૧૨ માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી. આગની શરૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી. આ અકસ્માતમાં અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝ્યા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે.અમેરિકાએ દાવો કર્યાે છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. આ એરક્રાફ્ટ કેરિયર અત્યારે સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. આ યુદ્ધજહાજ સાથે અન્ય ત્રણ સહાયક જહાજાે – USS મહાન, USS બેનબ્રિજ અને USS વિન્સ્ટન એસ. ચર્ચિલ પણ તૈનાત છે. ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ વિશ્વની સૌથી મોટું અને મોંઘુ એરક્રાફ્ટ કેરિયર છે. તેની લંબાઈ ૩૩૩ મીટર છે અને તેનું વજન આશરે ૧ લાખ ટન છે. તે ન્યુક્લિયર પાવર્ડ જહાજ છે, જેમાં બે A1B ન્યુક્લિયર રિએક્ટર લાગેલા છે. આ જહાજ ૯૦થી વધુ ફાઈટર જેટ્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ જહાજ બનાવવાનો ખર્ચ આશરે ૧૩ અબજ ડોલર થયો છે, જે તેને દુનિયાનું સૌથી મોંઘું યુદ્ધજહાજ બનાવે છે.




