
ગાઝામાં યુદ્ધવિરામ કરાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં કેદીઓને મુક્ત કરવામાં ઇઝરાયલ નિષ્ફળ ગયા બાદ હમાસ ગુસ્સે છે. હમાસના એક અધિકારીએ કહ્યું છે કે ઇઝરાયલ 600 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિમાં વિલંબ કરી રહ્યું છે અને આ ગાઝા યુદ્ધવિરામ કરારનું ગંભીર ઉલ્લંઘન છે. હમાસે ચેતવણી આપી છે કે જ્યાં સુધી પેલેસ્ટિનિયનોને પાછા મોકલવામાં નહીં આવે ત્યાં સુધી તે કરારના બીજા તબક્કા માટે વાટાઘાટો કરશે નહીં.
તમને જણાવી દઈએ કે કરાર હેઠળ, હમાસે આ અઠવાડિયે 6 પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કર્યા હતા, ત્યારબાદ ઇઝરાયલે 600 કેદીઓને મુક્ત કરવાનું વચન આપ્યું હતું. મંગળવારે એક લેખિત નિવેદનમાં, હમાસના એક વરિષ્ઠ અધિકારી બાસેમ નઈમે જણાવ્યું હતું કે જૂથે કરારની તમામ જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કર્યું છે અને ઇઝરાયલના વિલંબથી “કરાર તૂટી પડવાનું અને બીજા યુદ્ધ તરફ દોરી જવાનું જોખમ વધે છે.”
દરમિયાન, યુદ્ધવિરામનો પહેલો તબક્કો શનિવારે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ કરાર હેઠળ, બીજા તબક્કાની વાટાઘાટો અઠવાડિયા પહેલા શરૂ થવાની હતી પરંતુ તે હજુ સુધી શરૂ થઈ નથી. અહેવાલો અનુસાર, અમેરિકન અધિકારીઓ આ અઠવાડિયે વાટાઘાટો માટે ગાઝા પહોંચી શકે છે જ્યાં વાટાઘાટોનો પ્રથમ તબક્કો આગળ ધપાવી શકાય છે. જોકે, હમાસે કહ્યું છે કે કેદીઓને મુક્ત ન થાય ત્યાં સુધી તે વાટાઘાટો કરવા તૈયાર નથી.
