
હોર્મુઝ પર દુનિયાની નજર ટ્રમ્પની અંતિમ ચેતવણી બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જાેવા મળી રહી છે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઈનના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ૩ ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ ક્રૂડ ૩૦૦ રૂપિયાથી વધીને ૧૦,૮૮૮ રૂપિયા પ્રતિ બેરલ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જાેવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ ૩ ટકા અથવા ૪.૧૫ ડોલરથી વધીને ૧૧૬.૫૬ ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ સવારે ૯:૫૭ વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૧.૬૯ ટકા અથવા ૧.૮૬ ડોલરના વધારા સાથે ૧૧૧.૬૩ ડોલરના ઈન્ટ્રાડે ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડે આ સંઘર્ષની શરૂઆતથી ૬૦ ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે ૨૭ ફેબ્રુઆરીના ૭૨.૪૮ ડોલરના સ્તરથી ઉછાળા સાથે ૯ માર્ચ સુધીમાં ૧૧૯.૫૦ ડોલર પર પહોંચી ગયું હતું.
મંગળવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ૩૦૦ રૂપિયા વધીને ૧૦,૮૮૮ રૂપિયા પ્રતિ બેરલના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ વધારો સતત પુરવઠા સબંધિત ચિંતાઓ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક ઉર્જા માપદંડો અનુરુપ રહ્યો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે ક્રૂડ ઓઈલના ભાવમાં ૩૦૦ રૂપિયા અથવા ૨.૮૩ ટકાનો વધારો નોંધાયો હતો અને તે ૧૦,૮૮૮ પ્રતિ બેરલની ઓલ-ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. તેવી જ રીતે મે મહિનાના કોન્ટ્રેક્ટમાં પણ ૧૭૦ રૂપિયા અથવા ૧.૮૨ ટકાનો વધારો થયો અને તે MCX પર ૯,૪૮૫ પ્રતિ બેરલના નવા સ્તરે પહોંચી ગયો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં આ ઉછાળો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન પ્રત્યે દેખાડવામાં આવેલ આક્રમક વલણ બાદ નોંધાયો છે. પ્રમુખ ટ્રમ્પે કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જાે તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર રાત્રિની ડેડલાઈનનું પાલન નહીં કરે, તો તેના પર વિનાશ વેરવામાં આવશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય છે. ટ્રમ્પના મતે જાે કોઈ કરાર નહીં થાય તો ઈરાનમાં દરેક પુલ નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાંનો દરેક પાવર પ્લાન્ટ હંમેશા માટે તબાહ કરી દેવામાં આવશે.
બીજી તરફ આ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાને યુદ્ધવિરામની યોજનાને ફગાવી દીધી છે અને અમેરિકા સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે.
આ જીઓ-પોલિટિકલ કટોકટીની સૌથી વધુ અસર હોર્મુઝની સામુદ્રધુની પર પડી રહી છે, જે વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે અત્યંત મહત્વની છે.
– વિશ્વના કુલ તેલ પરિવહનનો લગભગ પાંચમો ભાગ (૨૦%) આ જળમાર્ગ દ્વારા પસાર થાય છે.
– ૨૮ ફેબ્રુઆરીના રોજ સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સતત અવરોધાયેલો છે.
– આ જ ગતિરોધને કારણે ચાલુ વર્ષે ક્રૂડ ઓઈલના ભાવમાં અંદાજે ૯૦ ટકાનો વધારો થયો છે, જે સરેરાશ૧૦૦ ડોલરની આસપાસ જળવાયેલી છે.
ઉર્જા બજારની આ અસ્થિરતાની મિશ્ર અસર શેરબજાર પર જાેવા મળી રહી છે. અમેરિકાનું વોલ સ્ટ્રીટ મામૂલી સુધારા સાથે બંધ થયું હતું, જ્યારે એશિયન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જાેવા મળ્યો. ભારતીય શેરબજારમાં મંગળવારે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી જેવા મુખ્ય સૂચકાંકો ૧ ટકા સુધીના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.





