
ટેરિફના વિવાદ વચ્ચે આજે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે વાતચીત થઈ. આ વાતચીતમાં, ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જરૂરિયાત પર સર્વસંમતિ વ્યક્ત કરવામાં આવી. આ ટેલિફોનિક વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સહિત લગભગ 50 દેશો પર સ્પર્ધાત્મક ટેરિફની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે ટેરિફની જાહેરાત કર્યા પછી જયશંકર અને રુબિયો વચ્ચે આ પહેલી ઉચ્ચ-સ્તરીય વાતચીત હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે માર્કો રુબિયો સાથેની વાતચીત સારી રહી. ભારત-પ્રશાંત, ભારતીય ઉપખંડ, યુરોપ, મધ્ય પૂર્વ, પશ્ચિમ એશિયા અને કેરેબિયન પ્રદેશો પર વિચારોનું આદાન-પ્રદાન થયું. ભારત-અમેરિકા વેપાર કરારને ટૂંક સમયમાં પૂર્ણ કરવાના મહત્વ પર સર્વસંમતિ હતી.