
ભારતે રાહત-સામગ્રી મોકલી, તમિલનાડુમાં એલર્ટ.ઓપરેશન સાગરબંધુ: વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી.ભારતે શ્રીલંકાને મદદ કરવા માટે હંમેશા તત્પર : મોદી.ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ‘દિતવાહ‘ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદના કારણે શ્રીલંકામાં ૫૬ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક વિનાશ વચ્ચે ભારતે શ્રીલંકાને તાત્કાલિક મદદ માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ શક્તિશાળી બની શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઊંડી સંવેદના વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘શ્રીલંકાના એ લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે જેમણે વાવાઝોડું દિતવાહના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું તમામ પ્રભાવિત પરિવારોની સુરક્ષા, પુનર્વસન અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અમારા સૌથી નજીકના દરિયાઈ પાડોશી શ્રીલંકા પ્રત્યે એકતા દર્શાવતા, ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રીની સહાય મોકલી છે. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન મહાસાગરના માર્ગદર્શન હેઠળ, ભારત જરૂરિયાતના આ સમયમાં શ્રીલંકાની સાથે મજબૂતીથી ઊભું છે.’
વિદેશ મંત્રી એસ. જયશંકરએ એક્સ પર માહિતી આપી છે કે, ‘ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું છે. આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરીએ કોલંબોમાં રાહત સામગ્રી સોંપી છે. વધુ મદદ કરવાની કામગીરી ચાલુ છે.’ નોંધનીય છે કે, ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ૈંદ્ગજી વિક્રાંત અને સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ ૈંદ્ગજી ઉદયગિરી હાલમાં કોલંબોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ ૨૦૨૫માં સામેલ લઈ રહ્યા છે.
ન્યૂઝ એજન્સી સિન્હુઆએ શ્રીલંકાની સેનાને ટાંકીને કહ્યું છે કે, વાવાઝોડાથી આવેલી ભયંકર પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે દેશભરમાં ૨૦,૫૦૦થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડના કારણે શ્રીલંકામાં ૫૬ લોકોના મોત અને ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત દેશમાં વિમાની સેવા પણ ખોરવાઈ છે. અત્યાર સુધીમાં ૩,૪૯૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.




