
ઈરાન સામે એકજૂથ થઈ દુનિયા હોર્મુઝને સુરક્ષા પૂરી પાડવા માટે ૬ દેશોએ કાઢ્યો મોટો તોડ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને જાપાને કહ્યું કે તેઓ જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈયાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળા હવે બીજા દેશો સુધી પણ પહોંચી ગઈ છે. આ યુદ્ધ હવે ઓઈલના યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. એકબીજાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થતા જાેવા મળ્યા. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ચારેબાજુ હાહાકાર થઈ ગયો કારણ કે ઓઈલ અને ગેસના વેપાર માટે આ જળમાર્ગ ખુબ મહત્વનો છે. વધતા તણાવ વચ્ચે હવે યુરોપ અને જાપાને મોટું પગલું ભરવાનો સંકેત આપી દીધો છે.
બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને જાપાને જાેઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે તેઓ આ મહત્વના જળમાર્ગમાંથી પસાર થતા જહાજાેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે. આ દેશોએ ઈરાનના હાલના હુમલાઓને વખોડતા કહ્યું કે આવા હુમલાઓએ વૈશ્વિક ઉર્જા સપ્લાયને ગંભીર રીતે પ્રભાવિત કર્યો છે. તમામ દેશો મળીને જાેઈન્ટ પ્રયાસ કરશે જેથી કરીને ઉર્જા બજાર સ્થિર રહે અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર અવરજવર સામાન્ય થઈ શકે.
રોયટર્સના જણાવ્યા મુજબ નિવેદનમાં કતાર અને સાઉદી અરબના ઓઈલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા હુમલાઓની ટીકા પણ થઈ. કતાર એનર્જીના જણાવ્યાં મુજબ આ હુમલાઓથી તેમની ૧૭ ટકા એલએનજી નિકાસ ક્ષમતા પ્રભાવિત થઈ છે. જેનાથી વાર્ષિક ૨૦ બિલિયન ડોલરના રાજસ્વનું નુકસાન થવાનો અંદાજ છે. આ દેશોએ ઉર્જા ઉત્પાદન વધારવા માટે ઉત્પાદક રાષ્ટ્રો સાથે કામ કરવાની અને બજારને સ્થિર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
વાત જાણે એમ છે કે હોર્મુઝ જળમાર્ગ કે જે ક્રૂડ ઓઈલ અને એલપીજીના વૈશ્વિક વેપાર માટે મુખ્ય માર્ગ ગણાય છે. આ જળમાર્ગ હાલ સંકટમાં છે. ઈરાન દ્વારા વેપારી જહાજાે પર ડ્રોન અને વિસ્ફોટક નૌકાઓથી હુમલા કરાયા બાદ અહીં જહાજાેની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે. સેકડો જહાજ હોર્મુઝ જળમાર્ગમાં ફસાયેલા છે. જેનાથી ભારત સહિત અનેક દેશોમાં સંકટ ઊભું થયું છે.




