
ઈરાનના વિદેશ મંત્રીએ આપી ધમકી.અમેરિકાએ પછતાવું પડશે, ચેતવણી વગર યુદ્ધ જહાજ પર કર્યો હુમલો.અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે : ઈરાનના વિદેશમંત્રી.અમેરિકન પરમાણુ સબમરીનના હુમલામાં ઈરાન યુદ્ધ જહાજ IRIS Dena ને હિંદ મહાસાગરમાં ડુબાડી દેવાની ઘટનાને લઈને ઈરાનના વિદેશ મંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ગુરુવારે ચેતવણી આપી કે ઈરાનના યુદ્ધ જહાજ હુમલા માટે અમેરિકાએ પછતાવું પડશે. ઈરાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખતા કહ્યું કે, “અમેરિકાએ ઈરાનના કિનારાથી ૨,૦૦૦ માઈલ દૂર સમુદ્રમાં એક જઘન્ય અપરાધ કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ કહ્યું કે, ભારતીય નૌકાદળના મહેમાન તરીકે આવેલું IRIS Dena લગભગ ૧૩૦ નાવિકોને લઈને જઈ રહ્યું હતું. ફ્રિગેટ ડેના પર આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં કોઈ ચેતવણી વિના હુમલો કરવામાં આવ્યો હતો.”
ઈરાની વિદેશ મંત્રીએ ચેતવણી આપતા કહ્યું કે, “અમેરિકાને આ પ્રકારનો દાખલો બેસાડવા માટે પછતાવું પડશે”, અને અમેરિકા પર ઈરાનની ધરતીથી દૂર કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વગર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. અમેરિકન સબમરીને હિન્દ મહાસાગરમાં એક ટૉર્પીડો હુમલામાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું હતું. શ્રીલંકાના દક્ષિણ કિનારા પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના ઘટી હતી.
નોંધનીય છે કે, બીજા વિશ્વયુદ્ધ પછી ટૉર્પીડો દ્વારા કોઈ દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પહેલી ઘટના હતી. યુદ્ધ જહાજ ભારતમાં સંયુક્ત નૌસેના અભ્યાસમાંથી પરત ફરી રહ્યું હતું. ફ્રિગેટ કેટેગરીનું આ યુદ્ધ જહાજ આઈરિસ ડેના ૧૮થી ૨૫ ફેબ્રુઆરી સુધી બંગાળની ખાડીમાં યોજાયેલા મિલાન ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. આ જહાજ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી પોતાના દેશ પરત ફરી રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
મીડિયાના અલગ અલગ અહેવાલો અનુસાર અમેરિકન હુમલામાં જહાજ પર સવાર આશરે ૮૦ લોકોના મોત થયા છે. શ્રીલંકન નૌસેનાએ અત્યાર સુધીમાં યુદ્ધ જહાજમાંથી ૩૨ લોકોને બચાવ્યાં છે. જેને દક્ષિણમાં આવેલા શહેર ગાલેના કરાપિતિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બાકીના સૈનિકોને શોધવા માટે હજુ સર્ચ ઓપરેશન શરૂ છે.




