નેપાળમાં ફરી મોટું જાેખમ! ભૂસ્ખલનથી ચૌલાની નદીનો પ્રવાહ અટક્યો, અચાનક પૂરનો ખતરો વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે ફરીથી ભૂસ્ખલન થવાથી નદી સંપૂર્ણપણે બંધ થઈ શકે છે અને ફ્લેશ ફ્લડ લાવી શકે
નેપાળમાં સતત વરસાદ વચ્ચે વધુ એક મોટું જાેખમ ઊભું થયું છે. દાર્ચુલા જિલ્લામાં ભારે ભૂસ્ખલન બાદ ચૌલાની નદીનો પ્રવાહ આંશિક રીતે અટકી ગયો છે. નદીમાં મોટી માત્રામાં કાટમાળ પડવાથી પાણીનો માર્ગ સાંકડો થઈ ગયો છે.
વહીવટીતંત્રને ડર છે કે જાે ફરીથી ભૂસ્ખલન થયું અને નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ તો જમા થયેલું પાણી અચાનક માર્ગ તોડીને નીચેના વિસ્તારોમાં ઝડપી પૂર લાવી શકે છે. આ ભૂસ્ખલન અપી હિમાલ ગ્રામીણ નગરપાલિકાના ભટ્ટર વિસ્તારમાં થયું છે. પહાડનો મોટો હિસ્સો તૂટીને ચૌલાની નદીમાં જઈ પડ્યો હતો. જેના કારણે નદીનો સામાન્ય પ્રવાહ પ્રભાવિત થયો અને પાણીના માર્ગમાં કાટમાળનો ઢગલો જમા થઈ ગયો હતો. હાલ નદી સંપૂર્ણપણે બંધ થઈ નથી.
આ પહેલા નેપાળ-તિબેટ સરહદ નજીક ફ્લેશ ફ્લડ આવ્યું હતું, જેના કારણે ૧૩૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દાર્ચુલાથી તેની હવાઈ દૂરી ૫૦૦ કિમી છે. સશસ્ત્ર પોલીસ દળના જણાવ્યા અનુસાર ચૌલાની નદીમાં પાણી હાલ સામાન્ય સપાટીએ વહી રહ્યું છે, પરંતુ જાેખમ એ વાતનું છે કે પહાડી વિસ્તાર અસ્થિર હોવાથી વધુ એક ભૂસ્ખલન થઈ શકે છે. જાે નવો કાટમાળ નદીમાં પડે અને પાણીનો આખો માર્ગ બંધ થઈ જાય તો ઉપરની તરફ પાણી જમા થવા લાગશે. થોડા સમય બાદ જમા થયેલું પાણી કાટમાળ અથવા ખડકોના અવરોધને અચાનક તોડી શકે છે. આવી સ્થિતિમાં વધુ ચેતવણી મળ્યા વિના નીચેની તરફ ખૂબ જ ઝડપથી પાણી અને કાટમાળ પહોંચી શકે છે. તેને ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક આવતું પૂર કહેવામાં આવે છે.
દાર્ચુલા જિલ્લા વહીવટીતંત્રે ચૌલાની નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. લોકોને નદીના કિનારે જવાનું ટાળવા અને અચાનક કોઈ ફેરફારની સ્થિતિમાં સુરક્ષિત સ્થળે જવા માટે તૈયાર રહેવાની અપીલ કરવામાં આવી છે. જાેખમવાળા વિસ્તારોમાં સુરક્ષા દળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. તેમનું કામ લોકોને સ્થિતિની જાણકારી આપવાનું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવાનું છે. સુદૂરપશ્ચિમના મુખ્યમંત્રી ખગરાજ ભટ્ટે સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણપણે સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે. વહીવટીતંત્રે પૂર અને આપત્તિ સંબંધિત મદદ માટે કટોકટીના સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે.




