
અત્યાર સુધીમાં ૪૪ના મોત, ૩૦૦ ગુમ.હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી.બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર (૨૬ નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા કુલ ૪૪ લોકોના મોત થયા છે, જ્યારે ૨૮ લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત ૩૦૦ લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે.
આ ઘટના બાદ લગભગ ૭૦૦ જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.મીડિયા અહેવાલો મુજબ, બપોરે ૨.૫૧ મિનિટે વાંગ ફુક કોર્ટ નામના રહેણાંક પરિસરમાં અચાનક આગ લાગી હતી અને ઊંચી બિલ્ડિંગ્સને ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કાળા વાદળો દૂર-દૂર સુધી દેખાયા અને અફરાતફરી મચી ગઈ. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ ૮ બ્લોક્સ અને ૨૦૦૦ ફ્લેટ્સ આવેલા છે. સ્થિતિની ગંભીરતાને જાેતા ફાયર સર્વિસ વિભાગે ‘લેવલ-૫ આલાર્મ ફાયર’ જાહેર કર્યું, જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી છે.ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે ૭૬૭ ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે ૩૦થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.




