
પાકિસ્તાનની રચનાના 75 વર્ષ બાદ પ્રથમ વખત કોઈ મહિલા મુખ્યમંત્રી બની છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા મરિયમ નવાઝ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. પાકિસ્તાનના ત્રણ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે રવિવારે પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન પદ માટે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. પંજાબ પ્રાંત પાકિસ્તાનમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. આ પ્રાંતની વસ્તી 1.2 કરોડથી વધુ છે.
PML-Nના ઉપાધ્યક્ષ મરિયમ પાકિસ્તાનના ઈતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે. પંજાબ વિધાનસભામાં તેમની પાર્ટી પાસે હવે બે તૃતિયાંશ બહુમતી છે. ડોનના અહેવાલ મુજબ, પંજાબ વિધાનસભાના અધ્યક્ષ મલિક અહમદ ખાને જાહેરાત કરી કે પીએમએલ-એનના મરિયમ નવાઝ 220 મતો સાથે પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. તેમના હરીફ ઉમેદવાર, સુન્ની ઇત્તેહાદ પરિષદ (SIC) ના રાણા આફતાબ ખાનને કોઈ મત મળ્યા ન હતા કારણ કે તેમની પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પહેલા પંજાબ વિધાનસભાના 337 ચૂંટાયેલા ધારાસભ્યોએ શુક્રવારે શપથ લીધા હતા.
