નેપાળમાં આવેલા ભયંકર પૂરે ચોતરફ વિનાશ વેર્યાે છે નેપાળ પૂર: સેનાએ બે બાળકોને ઉગારી માતા સાથે કરાવ્યું મિલન દેવીઘાટ નિવાસી અનીતાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે તે જે દિવસે પૂર આવ્યું ત્યારે બંને બાળકો નદી પારની શાળાએ ગયા હતા
નેપાળમાં આવેલા ભયંકર પૂરે ચોતરફ વિનાશ વેર્યાે છે, જ્યાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ કપરી સ્થિતિ વચ્ચે દેવીઘાટમાંથી એક ભાવુક અને આશા જગાવતી ઘટના જાેવા મળી છે. નેપાળમાં દિવસે દિવસે મૃતકોની સંખ્યા વધી રહી છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં બચનારાની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે, ત્યારે તાજેતરમાં એક મહિલાને પોતાના બાળકો જીવતા મળ્યા પછી દુનિયા આખી ભૂલીને રાજીના રેડ થઈ ગઈ હતી.ચારેબાજુ સર્જાયેલા વિનાશ અને બધું ગુમાવી દેવાના દુ:ખ વચ્ચે એક ઘરેથી રડવાના અવાજ સાથે એક આશાનું કિરણ જાગ્યું હતું. ઘરના લોકોની આંખોમાંથી વહી રહેલા આંસુઓમાં ખુશી છુપાયેલી હતી અને આ અવાજ અને આ આંસુ માતા અને બાળકોના સુખદ મિલનનો હતો.પૂર અંગે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે પૂરમાં ખોવાયેલા બે માસૂમ બાળકોને સેનાના જવાન લઈને આવ્યા હતા. એ વખતે ઘર તૂટી જવાનું દુ:ખ ભૂલીને બાળકોની માતાએ કહ્યું કે બાળકો મળી ગયા એટલે બધું મળી ગયું છે. દેવીઘાટ નિવાસી અનીતાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે તે જે દિવસે પૂર આવ્યું ત્યારે બંને બાળકો નદી પારની શાળાએ ગયા હતા. પૂર પછી પુલ ધોવાઈ ગયો અને વીજળી ગુલ થઈ ગઈ હતી, જેથી ગામ સાથે સ્કૂલનો સંપર્ક તૂટી ગયો હતો. બાળકો ઘરે ન પહોંચ્યા અને તેઓ તેમને શોધવા ન જઈ શક્યા. બાદમાં સેનાના જવાનો તેમને લઈને આવ્યા ત્યારે અનિતાએ કહ્યું ઘર જતું રહ્યું એતો ફરીથી બનાવી લેશું પરંતુ બાળકો સુરક્ષિત પરત ફર્યા તે જ મોટી બાબત છે. બહેન સપનાએ કહ્યું કે ભાઈને તે રાખડી નહીં બાંધી શકે, કઈ ખબર પડી રહી નહોતી, પરંતુ સેના દ્વારા જાણ થઈ કે તેઓ બાળકોને લઈને આવી રહ્યા છે. આ સૂચના મારા જીવન માટે હંમેશાં યાદગાર બની રહેશે. આ કહેતા જ તેઓ ભાવુક બન્યા હતા. વિનાશક પૂરના કારણે દેવીઘાટના રહેવાસી ગૌરવ મિર્ઝાનું જીવન બરબાદ થયું છે. માતાએ તો પહેલા જ તેના જીવનમાંથી વિદાય લઇ લીધી હતી. હવે દિવ્યાંગ પિતા પણ નદીના ઝડપી વહેણમાં ડૂબી ગયા, તેથી ગૌરવ અનાથ થતા તે હાલમાં રાહત શિબિરમાં છે. સૂચના મળતા જ નુવાકોટથી તેના કાકા નુરી મિર્ઝા આવ્યા હતા. તેમણે કહ્યું કે એક પિતાની જેમ જ હું બાળકને રાખીશ, એટલું કહેતા જ તેઓ અત્યંત ભાવુક બન્યા હતા. ગૌરવે કહ્યું કે તે શાળાએ હતો અને ઘરે આવ્યા તો વિનાશ સર્જાયો હતો, મને પહેલા જ રોકી લેવામાં આવ્યો હતો. બાદમાં ખબર પડી કે ઘર અને પપ્પા નદીમાં વહી ગયા છે.




